Gujarat

10મી જાન્યુ.એ વડાપ્રધાન મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન

By GS Team
22 Nov 20212 mins read
This article was originally published on 22 Nov 2021
10મી જાન્યુ.એ વડાપ્રધાન મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ 

15થી વધુ પાર્ટનર દેશો સહભાગી થશે, વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત દર સોમવારે મહત્વના MOU કરાશે

8-9 ડિસેમ્બરે દુબઇ-અબુધાબીમાં રોડ-શો, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર ગ્લોબલ ટ્રેડ શો  

અમદાવાદ : તા.10થી 12 જાન્યુઆરી સુધી પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 યોજાનાર છે.  તા.10મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉપરાંત ગ્લોબલ ટ્રેડ ફેર શોનો ઉદઘાટન સમારોહ યોજાશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

આ ત્રિવદીય સમિટમાં વિવિધ વિષયો આધારિત સેમિનારો પણ યોજાનાર છે. સમિટના પૂર્વે  વિવિધ ક્ષેત્રના પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્યા છે. ત્રિદિવસીય વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ  દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ની રૂપરેખા આપતાં ઉદ્યોગ વિભાગના અધિક સચિવ ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, તા.11મી જાન્યુઆરીએ ગતિશક્તિ યોજના હેઠળ ગુજરાતને માળખાકીય સુવિધા ઉપરાંત મૂડીરોકાણના દ્રષ્ટિકોણથી વધુને વધુ લાભ થાય તેની કાર્યરીતી ઘડવામાં આવશે.

આ ઉપરાંત પ્રોડક્શન લિન્કડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અંતર્ગત વિવિધ સેક્ટરમાં જાહેર થયેલી યોજનાના માધ્યમથી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય તે માટે નક્કર પગલાં ભરવામાં આવશે.

સાથે સાથે દેશમાં  પ્રોડકશન અંગે તૈયાર થયેલી યોજવા વિશે વિશદ ચર્ચા કરાશે.તા.12મીએ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ,વધુ રોજગારી સહિતના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે  અમેરિકા, યુકે, ફ્રાન્સ, જર્મની, જાપાન, નેધરલેન્ડ સહિતના દેશોમાં રોડ શોનું આયોજન કરાયુ છે.

તા.8-9 ડિસેમ્બરે દુબઇ અને અબુધાબીમાં રોડ શો આયોજિત કરાયા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દેશમાં 6 મોટા શહેરોમાં રોડ શો યોજવા નક્કી કરાયુ છે. દિલ્હીમાં યોજાનારા રોડ શોમાં મુખ્યમંત્રી હાજર રહેશે. મુંબઇ, લખનૌ, ચેન્નઇ, બેંગલોર અને હેદરાબાદમાં યોજાનારા રોડ શોમાં મંત્રીઓ હાજરી આપશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે તા.1લી ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે.દર સોમવારે વિશિષ્ટ પ્રોજેક્ટના એમઓયુ કરવામાં આવશે. આ વખતે ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તા.10મી જાન્યુઆરીથી હેલિપેડ ગ્રાઉન્ડ પર આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ આધારિત ટ્રેડ ફેર શોનુ આયોજન કરાયુ છે.