Gujarat

બાંધકામના મટિરિયલના ભાવ વધતાં બિલ્ડર્સ મિલકતોની કિંમત વધારશે

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
બાંધકામના મટિરિયલના ભાવ વધતાં બિલ્ડર્સ મિલકતોની કિંમત વધારશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

ઓક્ટોબર ૨૦૨૦ પછી સ્ટીલના ભાવમાં ૧૦૫ ટકા, સિમેન્ટના ભાવમાં ૬૮ ટકા, એસીસી બ્લોકના ભાવમાં ૨૫ ટકા, ડીઝલના ભાવમાં ૧૬ ટકા, રેતીના ભાવમાં ૪૮ ટકા, પ્લાયશીટના ભાવમાં ૭૩ ટકા, ફ્લાયએશના ભાવમાં ૨૪ ટકા  તથા ક્રેશના ભાવમાં ૨૫ ટકાનો વધારો થઈ ગયો હોવાથી ગુજરાતની બિલ્ડર લૉબી કોમર્શિયલ અને રેસિડેન્શિય મિલકતોના ભાવમાં વધારો કરવા સક્રિય બની છે. પરિણામે પોતાનું ઘર વસાવવાના મધ્યમ વર્ગના અનેક પરિવારોના સપનાં રોળાઈ જવાની સંભાવના છે. આગામી એપ્રિલથી જ ભાવ વધારો કરી દેવામાં આવે તેવી સંભાવના છે.

બાંધકામ શરૃ કરતી વખતે લીધેલા બુકિંગના ભાવ બિલ્ડર્સ વધારી શકતા નથી. તેથી તેમણે પાલનપુરમાં સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ ડેવલપર્સની મિટિંગ બોલાવીને ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ રહ્યું છે. આ સાથે જ બાંધકામ માટેના કાચા માલ પૂરા પાડનારાઓની કાર્ટેલ રચાતી અટકાવવા માટે પણ તેમણે સરકારને રજૂઆત કરી છે. 

ગુજરાતના ૪૦ શહેરના બિલ્ડર્સ અને ડેવલપર્સની એક બેઠક આ મુદ્દે ચર્ચા કરવા માટે પાલનપુરમાં મળીહતી. સિમેન્ટના ઉત્પાદકો દ્વારા વાજબી કારણો વિના જ સિમેન્ટના ભાવ વધારી દેવામાં આવતા હોવાની પણ તેમની ફરિયાદ છે. સિમેન્ટની માફક સ્ટીલ કંપનીઓ પણ કાર્ટેલ રચીને બેફામ ભાવ વધારો કરતી હોવાની તેમની ફરિયાદ છે.