Get The App

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં 1 - image

વડોદરાઃ સોના- ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં જોવા મળેલા ભાવ વધારાના કારણે જેમને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેવા લોકોને ચિંતા થાય તે સ્વાભાવિક છે પણ ભાવમાં જોવા મળેલી તેજીથી હવે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો ટેન્શનમાં આવી ગયા છે.

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પદવીદાન સમારોહ યોજાતો હોય છે પણ આ વખતે મળતી જાણકારી પ્રમાણે આ વર્ષે પદવીદાન સમારોહ સપ્ટેમ્બરમાં યોજવાની કવાયત શરુ કરવામાં આવી છે.જેથી વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી મળી જાય.આ આયોજનના ભાગરુપે ૩૫૦ ગોલ્ડ મેડલ બનાવવા માટે  ક્વોટેશન  મંગાવવામાં આવ્યા છે.જેની છેલ્લી તારીખ ૭ જુલાઈ છે.જોકે સત્તાધીશોને ટેન્શન ગોલ્ડ મેડલ પાછળ આવનારા ખર્ચનું છે.

સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટી દ્વારા અપાતા દરેક ગોલ્ડ મેડલનું વજન ૫૦ ગ્રામ હોય છે.જેના પર સોનાનો ઢોળ ચઢાવાય છે અને ગોલ્ડ મેડલ બનાવવામાં ચાંદી વાપરવામાં આવે છે.આજના બજારભાવ પ્રમાણે ગણવામાં આવે તો ચાંદીનો એક કિલોનો ભાવ ૧.૩૬ લાખ રુપિયાની આસપાસ અને ૨૨ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૧.૩૭ લાખ રુપિયાની આસપાસ છે.આ સંજોગોમાં ૩૫૦ ગોલ્ડ મેડલ બનાવવા માટેનો  ગત વર્ષની સરખામણીએ બમણો તો થઈ જ જશે તેમ મનાઈ રહ્યું છે.સૂત્રોએ કહ્યું હતું કે, એક વખત ક્વોટેશન આવે તે પછી આગળનો નિર્ણય લેવામાં આવશે.

ગત વર્ષે દરેક મેડલ દીઠ ૪૨૦૦ રુપિયા ખર્ચ થયો હતો 

યુનિવર્સિટીમાં કોઈના પણ નામ પર ગોલ્ડ મેડલ એનાયત કરવો હોય તો બે લાખ રુપિયાનું ડોનેશન આપવાનું હોય છે.છેલ્લા કેટલાક વર્ષથી ડોનેશનની રકમ વધારાઈ છે.એ પહેલા તો ગોલ્ડ મેડલ માટે દાતા પાસેથી એક લાખ રુપિયા લેવાતા હતા.આ રકમના વ્યાજમાંથી ગોલ્ડ મેડલ તૈયાર કરાય છે.સોના- ચાંદીના ભાવ વધ્યા નહોતા ત્યાં સુધી સત્તાધીશો ગમે તેમ કરીને પણ ગોલ્ડ મેડલ બનાવડાવતા હતા.જે રીતે ભાવ વધારો થયો છે તે જોતા દાતાઓના ડોનેશનની રકમના વ્યાજમાંથી મેડલ બનાવવાનું મુશ્કેલ છે.ગત વર્ષે ગોલ્ડ મેડલ બનાવવા માટે પ્રતિ મેડલ ૪૨૦૦ રુપિયા જેટલો ખર્ચ થયો હતો.આ વખતે તે બમણો થઈ જાય તેવી પૂરેપૂરી શકયતા છે.

ગોલ્ડ મેડલનું વજન અને કદ ઘટાડાશે?

ગોલ્ડ મેડલના ક્વોટેશન આવ્યા બાદ સત્તાધીશો આગળનો નિર્ણય લેશે.જો નાણાકીય બોજ વધારે આવે તેમ હશે તો શક્ય છે કે, ગોલ્ડ મેડલનું વજન કે કદ પણ ઘટાડી શકાય છે અથવા તો તેમાં વપરાતી ચાંદીનું પ્રમાણ ઓછો કરવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે.સત્તાધીશો માટે આ બાબતે નિર્ણય લેવો પણ કપરો હશે.જો ગોલ્ડ મેડલને બદલવામાં આવે તો વર્ષોથી ચાલી આવતી પરંપરા પણ તૂટશે.