Gujarat

ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ

By GS TEAM
6 Oct 20251 min read
ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણોઃ એમ્બ્યુલન્સને પણ અડચણ

- દબાણ હટાવવા હોસ્પિટલના અધિક્ષકની પાલિકામાં રજૂઆત

- હોસ્પિટલનો મુખ્ય દ્વાર જ લારી- ગલ્લાથી બંધ કર્યો હોય તેવી સ્થિતિ : સ્ટાફ સાથે વારંવાર ઝઘડા- ઘર્ષણ

ડાકોર : ડાકોરમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બહાર દબાણના કારણે એમ્બ્યુલન્સને પ્રવેશવામાં ભારે અડચણ થઈ રહી છે. વારંવાર રજૂઆતો બાદ હવે હોસ્પિટલના અધિક્ષકે પાલિકાને દાબણ હટાવવા રજૂઆત કરવી પડી છે. 

ડાકોર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની બહાર લારી- ગલ્લાવાળાઓ અને શાકભાજીનો વેપાર કરતા ફેરિયાઓ દ્વારા ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું છે. પરિણામે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ કે કોઈપણ સરકારી, પ્રાઇવેટ વાહન લાવવા લઈ જવામાં તકલીફ પડે છે. 

હોસ્પિટલના મુખ્ય દ્વાર જ દબાણકર્તાઓએ બંધ કર્યો હોય તેવી હાલત જોવા મળી રહી છે. વારંવાર દબાણ હટાવવાની મૌખિક જાણ કરવામાં આવવા છતાં નગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરાતી નથી.  તંત્ર દ્વારા લારી- ગલ્લાના ફેરિયાઓને વાત-ચીત કરી થોડો સમય માટે હટાવી દેવાય છે. જ્યારે હોસ્પિટલના સ્ટાફ સાથે તો દાદાગીરી કે ઝઘડા દબાણકર્તાઓ કરે છે. ત્યારે હોસ્પિટલના પ્રવેશ દ્વારા આસપાસ દબાણ કાયમી ધોરણે હડાવવાની માંગણી સાથે ડાકોર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષકે ડાકોર પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી છે.  ત્યારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા દબાણ હટાવવા બાબતે કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.