Gujarat

વિદેશી શ્વાનને બદલે દુર્લભ ગૌવંશનું જતન: ગોધરાના પરિવારે ઘરમાં વસાવ્યા ‘રામ’ અને ‘સીતા’, ખોળામાં બેસાડી બોટલથી પીવડાવે છે દૂધ

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
પંચમહાલના ગોધરામાં હાર્દિક દલવાડીએ ગૌસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે PM મોદીથી પ્રેરિત થઈને, આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી વિશ્વની સૌથી નાની અને દુર્લભ 'પુંગનુર' પ્રજાતિની ગાયોને ગોધરા લાવી છે. આ ગાયોના નામ 'રામ' અને 'સીતા' રાખવામાં આવ્યા છે. હાર્દિકભાઈએ ગાયો માટે આરામદાયક રહેઠાણ અને બેડની વ્યવસ્થા કરી છે. આ ગાયોનું દૂધ ઔષધીય ગુણોથી ભરપૂર મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી શ્વાનને બદલે દુર્લભ ગૌવંશનું જતન: ગોધરાના પરિવારે ઘરમાં વસાવ્યા ‘રામ’ અને ‘સીતા’, ખોળામાં બેસાડી બોટલથી પીવડાવે છે દૂધ

Godhra Punganur Cow : આજના આધુનિક યુગમાં લોકોને ઘરમાં મોંઘાદાટ વિદેશી શ્વાન કે બિલાડી પાળવાનો શોખ હોય છે, પરંતુ પંચમહાલના ગોધરા એટલે કે 'ગૌભૂમિ'માં ગૌસેવાનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. ગોધરાના એક યુવાને પોતાના ફાર્મ પર વિશ્વની સૌથી નાની અને અત્યંત દુર્લભ ગણાતી 'પુંગનુર' પ્રજાતિની ગાયો વસાવી છે.

ગોધરાના વતની હાર્દિક દલવાડીને બાળપણથી જ પશુઓ અને ખાસ કરીને ગાયો પ્રત્યે અનહદ લગાવ રહ્યો છે. ગત 14 જાન્યુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુંગનુર ગાય સાથેની તસવીરો અને વીડિયો જોઈને હાર્દિકને આ દુર્લભ પ્રજાતિની ગાય વસાવવાની પ્રેરણા મળી હતી. ત્યારથી જ તેમણે સંકલ્પ કર્યો અને આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં ખાસ સંપર્ક કરીને આ ગાયોને ગોધરા લાવ્યા છે.

ગાયો માટે સુવિધાયુક્ત રહેઠાણ અને આરામદાયક બેડની સુવિધા

હાર્દિકનો ગૌપ્રેમ માત્ર ગાય લાવવા પૂરતો સીમિત નથી. તેમણે આ નાનકડી ગૌમાતાઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ સુવિધાયુક્ત રહેઠાણ અને આરામદાયક બેડની વ્યવસ્થા પણ કરી છે. શરૂઆતમાં જ્યારે હાર્દિકે ઘરમાં ગાય રાખવા અંગે પોતાના ધર્મપત્ની સાથે વાત કરી, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં ગાય રાખવાની છે તો તેનો ઉછેર અને માવજત કેવી રીતે કરીશું, તેવા અનેક પ્રશ્નોથી તેઓ મૂંઝાઈ ગયા હતા. જોકે, પુંગનુર પ્રજાતિની આ ગાયોને ઘરમાં લાવ્યા બાદ તેઓ જાણે પરિવારનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે.

vlcsnap-2026-11-26-19h46m35s129.png

ગાયોનાં નામ 'રામ' અને 'સીતા'

હાર્દિકની ભાણી અને દીકરાની ખાસ ઈચ્છાથી આ બંને ગાયોનાં નામ 'રામ' અને 'સીતા' રાખવામાં આવ્યાં છે. રોજ સવારે આ બંને ગાયોની પૂજા કરવામાં આવે છે અને ઘરના એક વહાલા સભ્યની જેમ તેમનો ઉછેર થાય છે. 'રામ' અને 'સીતા' કહીને બોલાવતા જ બંને ગાયો દોડીને પાસે આવી જાય છે. હાર્દિકભાઈ અને તેમનો પરિવાર એક નાના બાળકને દૂધ પીવડાવતા હોય તેમ ખોળામાં બેસાડીને બોટલ વડે દૂધ પીવડાવે છે અને પ્રેમથી તેમની સેવા-ચાકરી કરે છે.

vlcsnap-2026-11-26-19h51m21s934.png

પુંગનુર ગાયની વિશેષતા

મૂળ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર નગરની વતની એવી આ ગાયની ઊંચાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટ (70 થી 90 સે.મી.) અને વજન 115 થી 200 કિલોગ્રામ જેટલું હોય છે. કદમાં ભલે નાની હોય, પરંતુ તેના ગુણો અદ્ભુત છે. આ ગાય દરરોજ 1 થી 3 લિટર જેટલું દૂધ આપે છે, જેમાં ફેટનું પ્રમાણ 8 ટકા જેટલું ઊંચું હોય છે. તેના દૂધમાંથી બનતું ઘી ઔષધીય ગુણોથી ભરપૂર મનાય છે અને એવી લોકવાયકા પણ છે કે વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે.

ગોધરાના યુવાન હાર્દિક દલવાડીનો આ ગૌપ્રેમ આજના યુવાનો માટે પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે કે ભારતીય સંસ્કૃતિ અને દુર્લભ દેશી ગૌવંશનું જતન કરવું એ જ સાચી પશુસેવા છે.