Gujarat

પેન્શનધારકો માટે હયાતીની સાબિતી પોસ્ટમેન ઘરે આવી કરશે, માત્ર 70 રૂપિયામાં બનશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
EPFO પેન્શનરો માટે પોસ્ટ વિભાગે "ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન 5.0" શરૂ કર્યું છે. હવે પોસ્ટમેન ઘરે આવીને માત્ર 70 રૂપિયામાં બાયોમેટ્રિક પદ્ધતિથી હયાતીનું પ્રમાણપત્ર બનાવી આપશે. અમદાવાદમાં ઘનશ્યામ હરગોવનદાસ અને જીવીબેન પરમારનું સર્ટિફિકેટ બનાવી આ સેવાનો પ્રારંભ કરાયો. આનાથી વૃદ્ધ અને અંતરિયાળ વિસ્તારના હજારો પેન્શનરોને બેંક-ટ્રેઝરીના ધક્કામાંથી મુક્તિ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેન્શનધારકો માટે હયાતીની સાબિતી પોસ્ટમેન ઘરે આવી કરશે, માત્ર 70 રૂપિયામાં બનશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ
AI તસવીર

EPFO Pensioner Digital Life Certificate Campaign 5.0: રાજ્ય અને કેન્દ્ર સરકારના હજારો પેન્શનધારકો માટે દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં હયાતીની સાબિતી આપવા માટે હવે બેંક કે ટ્રેઝરી કચેરીના ધક્કા ખાવા નહીં પડે. પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલી વિશેષ ડોરસ્ટેપ સુવિધા હેઠળ હવે વિસ્તારના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક ઘરે આવીને બાયોમેટ્રિક પદ્ધતિથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણ) બનાવી આપશે.

માત્ર 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવી

આ સેવા માટે માત્ર 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે અને સર્ટિફિકેટ આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઇન મોકલી દેવાશે, જેથી પેન્શન અટકશે નહીં. અમદાવાદ ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના પેન્શનર ઘનશ્યામ હરગોવનદાસ અને જીવીબેન દલાભાઈ પરમારનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પોસ્ટમેન મારફતે બનાવીને આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રક્રિયા કેવી રીતે થશે

પેન્શનધારકે પોતાના વિસ્તારના પોસ્ટમેનનો સંપર્ક કરવાનો રહેશે. પોસ્ટમેન બાયોમેટ્રિક ડિવાઇસ સાથે ઘરે આવશે અને ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરશે. આ માટે પેન્શનધારકે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ (PPO) નંબર આપવાનો રહેશે. પ્રક્રિયા પૂર્ણ થતાં જ મોબાઇલ પર પુષ્ટિનો SMS આવશે અને બીજા દિવસે 'જીવન પ્રમાણ' પોર્ટલ પરથી સર્ટિફિકેટ ડાઉનલોડ પણ કરી શકાશે.

વૃદ્ધ અને અંતરિયાળ વિસ્તારના પેન્શનરોને મોટો ફાયદો

સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં હયાતીની ખાતરી આપવા વૃદ્ધ પેન્શનધારકોએ લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના પેન્શનધારકોને મુસાફરી ખર્ચ અને શારીરિક મુશ્કેલી વેઠવી પડતી હતી. આ નવી સિસ્ટમથી તેમને સીધો ફાયદો થશે. આ ઉપરાંત, પેન્શનધારકો પોસ્ટમેન મારફતે ઘરે બેઠા જ આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS) દ્વારા ખાતામાંથી પેન્શનની રકમ પણ ઉપાડી શકશે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલે કહ્યું કે 'કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત તમામ સરકારી સંસ્થાઓના પેન્શનધારકોને ઘરઆંગણે સેવા આપવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આ પહેલ શરૂ કરાઈ છે. પેન્શન કલ્યાણ વિભાગના સહયોગથી 1 થી 30 નવેમ્બર, 2026 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 5.0 ચલાવવામાં આવી રહ્યું છે.'