Get The App

ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યો: વડોદરામાં રાજકીય 'સ્વીચ ગેમ', 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી પહેલા રાજકીય ખેલ જામ્યો: વડોદરામાં રાજકીય 'સ્વીચ ગેમ', 700 કાર્યકરોએ બદલ્યા કેમ્પ 1 - image

વડોદરા શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય પાટા પર ભારે ચહલપહલ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. 

શરૂઆતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામે તેવી ચર્ચાઓ વચ્ચે હવે વાસ્તવિક મેદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર સર્જાઈ રહી છે. ત્યારે રાજકીય પક્ષોમાં તોડજોડની રાજનીતિ પણ જોવા મળતા પક્ષપલટાની મોસમ  પુરબહારમાં ખીલી છે. 

કાર્યકરોને પોતાની તરફ આકર્ષવા માટે સામ, દામ, દંડ, ભેદ જેવી નીતિઓ અપનાવવામાં આવી રહી છે. તો બીજીતરફ ટિકિટ ન મળતા નારાજ કાર્યકરો, હોદ્દાની અપેક્ષા અધૂરી રહેતા નેતાઓ અથવા આર્થિક લાભને મહત્વ આપતા કેટલાક લોકો પક્ષ બદલી રહ્યા છે. 

અંદાજ મુજબ જિલ્લામાં આશરે 700 જેટલા કાર્યકરો પક્ષપલટો કરી ચૂક્યા છે, અને પક્ષ પલટા બાદ જનતાની સેવા અને વિચારધારાનું કારણ આગળ ધરી રહ્યા છે. 

આમાં કેટલીક રસપ્રદ ઘટનાઓ પણ સામે આવી છે, જ્યાં કાર્યકરો પક્ષ બદલી ગણતરીના કલાકોમાં ફરી ઘર વાપસી કરતા જોવા મળ્યા છે. 

પક્ષપલટો કરનારાઓ સામે પાર્ટીઓ સસ્પેન્શન જેવી કાર્યવાહી કરીને શિસ્ત જાળવવાનો પ્રયાસ કરી રહી છે. તો વળી, નિયમો નેવે મૂકી થતા પક્ષાંતરને કારણે પાર્ટીઓમાં જૂથવાદ પણ ખુલ્લો પડતો જાય છે. 

આ પરિસ્થિતિ વચ્ચે વડોદરાની ચૂંટણી માત્ર મતદાન પૂરતી નહીં પરંતુ જનતાની રાજકીય સમજ અને નેતાઓની વિશ્વસનીયતાનો પણ કસોટીપથ્થર બની રહી છે.