VIDEO | અમદાવાદ: ખાનપુરમાં રૂમ ભાડે ન મળતા પોલીસકર્મીની દાદાગીરી, ઘાંચી ભવનના કર્મચારીને ઢોર માર માર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ખાનપુરમાં આવેલા ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં કાયદાના રક્ષક એક પોલીસકર્મીની ગુંડાગીરી સામે આવી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા નવાઝ ગુલામ રસુલ નામના પોલીસકર્મીએ ભવનમાં રૂમની માંગણી કરી હતી, પરંતુ રૂમ ખાલી ન હોવાથી ફરજ પરના કર્મચારી શેખ મોહમદ ફરદીને તેમને ના પાડી હતી. આ સાંભળીને ઉશ્કેરાયેલા નવાઝે બુકિંગ ઓફિસમાં ઘૂસીને જાતે જ રજિસ્ટર તપાસવાનું શરૂ કર્યું હતું અને કર્મચારી ફરદીન પર રોફ જમાવી બીભત્સ ગાળો બોલીને તેને આડેધડ લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ખાનપુરમાં રૂમ ભાડે ન મળતા પોલીસકર્મીની દાદાગીરી
આ ઘટના અંગે પીડિત કર્મચારીએ શાહપુર પોલીસ મથકમાં લેખિત અરજી આપી હોવા છતાં પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સામાન્ય નાગરિકના કિસ્સામાં તાત્કાલિક ફરિયાદ નોંધતી પોલીસ પોતાના જ વિભાગના કર્મચારી સામે પગલાં લેવામાં ઢીલાશ દાખવી રહી હોવાનો ઘાટ સર્જાયો છે. આરોપી પોતે પોલીસ ખાતામાં હોવાથી સમગ્ર મામલા પર ભીનું સંકેલી લઈને સમાધાન કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની ચર્ચા છે.
આ સમગ્ર વિવાદ અને ખાખી વર્દીના દુરુપયોગ અંગે શાહપુર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે, આ કેસ બાબતે શાહપુર પોલીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'આ કેસમાં બંને પક્ષો એક જ જ્ઞાતિના છે અને પેલા ભાઈના પિતા પણ કોઈ કારોબારીના સભ્ય છે. એટલે તેઓ આ વિષયમાં વધુ આગળ વધવા માંગતા હોય તેવું અત્યારે લાગતું નથી. તેઓએ અમને અરજી આપીને એટલું જ કહ્યું છે કે જો આગળ કોઈ બીજી કાર્યવાહી કરવી હશે તો તેઓ અમારી પાસે આવશે. પોલીસ દ્વારા સમાધાન કરાવવામાં આવતું હોવાની વાતો તદ્દન ખોટી છે. અમે કોઈને અહીં બોલાવીને કોઈ સમાધાન કરાવ્યું નથી. આમ છતાં, જો ભવિષ્યમાં આ કેસમાં આગળ કોઈ પ્રોસેસ થશે, તો કાયદો બધા માટે સમાન હોવાથી તે પોલીસકર્મી સામે પણ બિલકુલ પગલાં લેવામાં આવશે જ.'








