દહેગામ શહેરના મુખ્ય માર્ગ ઉપર અડચણરૃપ દબાણો પોલીસે દૂર કર્યા

પાલિકાએ કરવાનું કામ પોલીસે કરી બતાવ્યું
અમદાવાદ હાઇવે ઉપર દુકાનો બહાર દબાણ અને લારી ગલ્લાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી
ગાંધીનગર : જિલ્લાના દહેગામ શહેરમાં અમદાવાદ હાઇવે ઉપર દુકાન બહાર દબાણો અને લારી ગલ્લાને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ત્યારે નગરપાલિકા દ્વારા દબાણો નહીં હટાવતા આજે ખુદ પોલીસે રોડ ઉપર ઉતરવું પડયું હતું અને આ દબાણો દૂર કર્યા હતા. જેના કારણે અહીં ટ્રાફિકનો પ્રશ્ન હવે હળવો થશે અને સ્થાનિક નાગરિકોને પણ ભારે રાહત મળશે.
આમ તો સરકારી જગ્યા ઉપર ઊભી થતી દબાણની બદીને દૂર કરવાની જવાબદારી જે તે સ્થાનિક તંત્રની છે પરંતુ તંત્ર જ્યારે આ કામગીરી કરવામાં ઉણું ઉતરે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતી પોલીસને મેદાનમાં ઉતરવાની જરૃર પડતી હોય છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. મોડાસા અમદાવાદ હાઈવે દહેગામ શહેરમાંથી પસાર થાય છે અને અહીં દહેગામ શહેરમાં દુકાનો બહાર મોટા દબાણો તેમજ માર્ગો ઉપર ઉભા રહેતા લારી ગલ્લાને કારણે અહીં ખૂબ જ ટ્રાફિકજામ સર્જાતો હોય છે. વર્ષોની આ સ્થિતિ હોવા છતાં દહેગામ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોની ફરિયાદ બાદ પણ કોઈ પગલા ભરાયા ન હતા ત્યારે દહેગામ શહેરમાં આજે પોલીસે આ સમસ્યાને દૂર કરવા માટે મેદાનમાં ઉતારવાની ફરજ પડી હતી. આ માર્ગ ઉપર લારી ગલ્લાના દબાણની સાથે દુકાનો દ્વારા બહાર ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આગામી દિવસમાં પણ આ કામગીરી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે દબાણ દૂર થતા અહીં હવે વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે. આની આ સ્થિતિ જળવાઈ રહે તે માટે પણ પોલીસે હવે ધ્યાન રાખવું પડશે. હાલ તો દહેગામ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી.









