Gujarat

ચિખોદરા ચોકડી પાસે રેતી ભરેલા ત્રણ ડમ્પરો પોલીસે ડિટેઇન કર્યા

By GS Team
29 May 20201 min read
This article was originally published on 29 May 2020
ચિખોદરા ચોકડી પાસે રેતી ભરેલા ત્રણ ડમ્પરો પોલીસે ડિટેઇન કર્યા

આણંદ, તા.29 મે 2020, શુક્રવાર

લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ બાંધકામોને છુટ આપવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી બંધ પડેલ બાંધકામો ધીમે-ધીમે પુનઃ કાર્યરત થયા છે. બાંધકામ ક્ષેત્રને મંજુરી મળતા રેતીની હેરફેર કરતા વાહનોની અવર-જવર વધી છે. 

જો કે કેટલાક ખનીજ માફીયાઓ દ્વારા હવે સ્ટ્રેટજી બદલીને રાત્રિના સુમારે ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા હોવાની ફરિયાદો મળતા આણંદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા પણ હવે નવી યુક્તિ અજમાવી રાત્રિના સુમારે આકસ્મિક ચેકીંગ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત તાજેતરમાં આણંદ ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા રાત્રિના સુમારે આણંદની ચિખોદરા ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન વાહન ચેકીંગ કરતા રેતી ભરેલ ત્રણ ડમ્પરોને રોકવામાં આવ્યા હતા. વધુ તપાસ કરતા આ ત્રણેય રેતી ભરેલ ડમ્પરો રોયલ્ટી પાસ વિનાના માલુમ પડયા હતા. જેથી ખાણ-ખનીજ વિભાગની ટીમે ત્રણેય ડમ્પરો ડીટેઈન કરી રોયલ્ટી પાસના ભંગ બદલ નોટીસ પાઠવી રૃા.૬.૫૦ લાખ દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.