Get The App

શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ 1 - image

બે પોલીસ સ્ટેશન હેઠળ ઓપરેશન હાથ ધરાયું

ભાવનગરભાવનગર શહેરમાં વધતી ગુનાખોરી, છરીના હુમલા અને અસામાજિક તત્વોના આતંકને પગલે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરના બે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં  કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વો અને પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી હતી.

અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી, દેશી દારૃ અને આથાનો નાશ કરાયો

ભાવનગર શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના બનાવો, હુમલા અને અસામાજિક તત્વોના આતંક વચ્ચે પોલીસ તંત્ર એકશન મોડમાં આવ્યું હતું. શહેરના બે પોલીસ સ્ટેશન ઘોઘારોડ પોલિસ સ્ટેશનના ખેડૂતવાસ અને આડોડિયાવાસ વિસ્તારમાં અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સાઢિયાવાડ અને કરચલિયા પરા વિસ્તારોમા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ૬ પીઆઇ, ૧૦ પીએસઆઇ, ૧૨૯થી વધુ પોલીસ જવાનો તેમજ ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી. પોલીસે અસામાજિક તત્વો, શંકાસ્પદ ઈસમો અને પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કોમ્બિંગ દરમિયાન પોલીસે કરેલા કેસ

પોલીસ દ્વારા હાથ ધરાયેલા કોમ્બિંગ દરમિયાન વિવિધ ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જીપી એક્ટ ૧૩૫ મુજબના ૨ કેસ, પ્રોહીબિશનના ૧૮ કેસ તેમજ મોટર વ્હીકલ એક્ટ ૧૮૫ હેઠળ ૬ કેસ, ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ ૨૦૭ મુજબ ૨૫ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે ૫૨ અસામાજિક તત્વોની ચકાસણી કરી હતી. જ્યારે ૨૩ હિસ્ટ્રીશીટરોની તપાસ હાથ ધરાઈ હતી. સ્થળ દંડ પેટે રૃપિયા ૧૪,૮૦૦ વસૂલવામાં આવ્યા હતા. તેમજ ૩૦૦૦ લીટર આથો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.