Gujarat

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો

By GS TEAM
19 Oct 20252 mins read
પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો

- પેટલાદના ચાંગા- મલાતજ રોડ પર 

- વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, ટ્રક સહિત 35.35 લાખનો મુદ્દામાલ જપ્ત, મહિલા સહિત સામે ગુનો 

આણંદ : પેટલાદ તાલુકાના ચાંગા મલાતજ રોડ ઉપર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક ટ્રકમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા ૧૪.૭૬ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો  ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૩૫.૩૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે,ટ્રક ચાલક અને મહિલા  બુટલેગર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

વડતાલ ખાતે રહેતી નયનાબેન ઉર્ફે મુન્ની ભાઈલાલભાઈ ચાવડા વિદેશી દારૂનો ધંધો કરે છે અને એક ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી વલેટવા ચોકડીથી ચાંગા મલાતજ રોડ તરફ જનાર હોવાની માહિતી મહેળાવ પોલીસને મળી હતી.

 જેથી પોલીસની ટીમ ચાંગા મલાતજ રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી દરમિયાન માહિતી મુજબની ટ્રક આવી ચડતા પોલીસે તેને અટકાવવા ઈશારો કર્યો હતો. જોકે. પોલીસને જોઈને ચાલકે ટ્રક પૂરઝડપે હંકારી મૂકી હતી. 

પોલીસે ટ્રકનો પીછો કરતા ચાલકે ચાંગા પેટ્રોલ પંપ નજીક ટ્રકને ઉભી રાખી ટ્રકમાંથી ચાલક તથા મહિલા ઉતરીને ઝાડી ઝાંખરામાં નાસી છૂટયા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા પ્રથમ નજરે પ્લાસ્ટિકની સીટો ભરી હોવાનું જોવા મળ્યું હતું પોલીસે તે હટાવીને જોતા નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. 

પોલીસે તપાસ કરતા અંધારાનો લાભ લઇ નાસી છૂટનાર મહિલા નયનાબેન ઉર્ફે મુન્ની ચાવડા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિદેશી દારૂની કુલ ૩૨૦ નંગ પેટીઓ અને બિયરના ટીન મળી કુલ ૧૪.૭૬ લાખ નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૩૫.૩૫ લાખનો મુદ્દા માલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા મહિલા બુટલેગર નયનાબેન ઉર્ફે મુન્ની અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.