Gujarat

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો

By GS TEAM
30 Mar 20261 min read
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો

વડોદરા : આજે સાંજે કોર્ટમાં મુદતે હાજર કરવા માટે લાવવામાં આવેલો એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા આરોપીને શોધવા માટે પોલીસે ભારે દોડધામ કરી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વર્ષ ૨૦૨૩માં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના કેસમાં સંડોવાયેલા આરોપી અજય ઉર્ફે આકાશ રોકડે નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપી હાલ જેલમાં છે અને આજે પોલીસ હેડક્વાર્ટરના જવાનો આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે જાપ્તા સાથે આવ્યાં હતા.

દિવાળીપુરા કોર્ટના પહેલા માળે આવેલી કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આરોપીને પરત જેલમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે આરોપી અજયે વોશરૃમ જવાનું કહેતા પોલીસ તેને વોશરૃમ માટે લઇ ગઇ હતી.

જો કે, વોશરૃમમાં ગયેલો આરોપી પોલીસને ચકમો આપી ગાયબ થઇ ગયો હતો એટલે પોલીસે ફરાર થઇ ગયેલા આ કેદીને ઝડપી પાડવા માટે કોર્ટ સંકુલમાં ભારે દોડધામ કરી હતી જો કે, તેનો કોઇ પત્તનો ન લાગતા આખરે બનાવની જાણ અકોટા પોલીસને કરવામાં આવી હતી. પી.આઇ. બલદાણીયાએ જણાવ્યું હતું કે, ફરાર થઇ ગયેલા આરોપીને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે.