PM Modi to Visit Somnath Today: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે (11મી મે) બીજો અને અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે. જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં વડાપ્રધાન મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે.
PM MODI IN SOMNATH LIVE UPDATES
હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું: 'આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું - એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું - એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.'
બ્રહ્માંડમાં 'જય સોમનાથ'નો નાદ: PM મોદી
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ'માં સહભાગી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક સંબોધન કર્યું હતું. ભગવાન સોમનાથના સાનિધ્યમાં કલા, સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી.
સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'આજની મારી આ સોમનાથ યાત્રામાં એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે. અહીં કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે, વૈદિક મંત્રોના પવિત્ર જાપ સાથે, ગર્ભગૃહમાં ‘શિવપંચક્ષરી’ ના સતત પાઠ સાથે અને સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે - એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે,જય સોમનાથ!'
પીએમ મોદીએ 75 રૂપિયાનો ખાસ સિક્કો જાહેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના અમૃત પર્વ નિમિત્તે 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે. આ વિશેષ સિક્કાની વિશેષતાઓ પર નજર કરીએ તો, રૂ.75 નો આ સિક્કો ગોળાકાર હશે અને તેનો વ્યાસ 44 મિલીમીટર રાખવામાં આવ્યો છે. આ સિક્કો 99.9 ટકા શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવશે અને તેનું વજન 40 ગ્રામ નિર્ધારિત કરવામાં આવ્યું છે. સિક્કાની ડિઝાઇનમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી છે; તેની આગળની બાજુએ મધ્યમાં અશોક સ્તંભની આકૃતિ અને નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે. સિક્કાની પાછળની બાજુએ સોમનાથ મંદિરની ભવ્ય આકૃતિ છે.
કુંભાભિષેક અને ધ્વાજરોહણની વિધિ સંપન્ન
કુંભાભિષેક વિધિમાં થયા સહભાગી
વડાપ્રધાન મોદી કુંભાભિષેક વિધિ બાદ સોમનાથમાં વિશેષ પૂજામાં સહભાગી થયા હતા. હવે તેઓ બપોરે જાહેર સભાને સંબોધશે. કુંભાભિષેક દરમિયાન મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કર્યા બાદ ધ્વાજારોહણ કરવામાં આવ્યું હતું.
PM મોદીએ શિવલિંગને જળ અર્પણ કર્યું
સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગને જળ અર્પણ કર્યું હતું.
સોમનાથ મંદિરે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યું
પીએમ મોદીએ 2 કિ.મી.નો રોડ શૉ પૂર્ણ કર્યા બાદ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાર્પણ કર્યા હતા.
વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચ્યા
વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચી ગયા છે અને અહીં રોડ શૉ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સોમનાથમાં આજે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સોમનાથમાં ભક્તિમય કાર્યક્રમોની રૂપરેખા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સોમનાથ પહોંચી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશે. સોમનાથ હેલિપેડ ખાતે 09:50 વાગ્યે વડાપ્રધાનનું આગમન થશે. હેલિપેડથી સોમનાથ મંદિર (હમીરજી સર્કલ) સુધી ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં વાયુસેનાના સૂર્યકિરણ એર-શોનું પણ વિશેષ આકર્ષણ રહેશે.
સવારે 10:15 વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પીએમ મોદીના હસ્તે બીડું હોમાશે. ત્યારેબાદ મંદિર પરિસરમાં 11 પવિત્ર તીર્થોના જળથી પવિત્ર કુંભાભિષેક વિધિ અને ધ્વજારોહણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
11:45 વાગ્યે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં હાજરી આપશે. ત્યારબાદ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને વડાપ્રધાન સંબોધિત કરશે. બપોરનું ભોજન અને વિરામ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રહેશે અને 03:25 વાગ્યે સોમનાથ હેલિપેડ મારફતે વડાપ્રધાન વડોદરા જવા માટે પ્રસ્થાન કરશે.
આ પણ વાંચો: AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ, હાઈકોર્ટે ભર્યું મોટું પગલું
વડોદરામાં 'બંગાળ થીમ' પર સ્વાગત
સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે. પશ્ચિમ બંગાળમાં મેળવેલી શાનદાર જીત બાદ વડાપ્રધાન પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ઉત્સાહનો માહોલ છે. અહીં તેમના સ્વાગત માટે વિશેષ 'બંગાળ થીમ' તૈયાર કરવામાં આવી છે. વડોદરામાં પીએમ મોદી 'સરદારધામ-3'નું લોકાર્પણ કરશે અને એક વિશાળ જનસભાને સંબોધન કરીને પોતાના પ્રવાસનું સમાપન કરશે.
ભગવાન સોમનાથના આશીર્વાદ અને વિકાસકાર્યોના લોકાર્પણ સાથે વડાપ્રધાનનો આ પ્રવાસ ગુજરાત માટે ખૂબ જ મહત્વનો બની રહેશે.


