PM Modi In Vadodara: વડાપ્રધાન ગઈકાલે રવિવાર રાતથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગત મોડી રાત્રે PM મોદીએ જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી PM મોદીએ આજે સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-3ના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીને 'સરદાર ગૌરવ રત્ન' ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુઓ PM મોદીનું સંબોધન
ગદા સર્કલથી જૂના એરપોર્ટના ગેટ સુધી રોડ શૉ
વડાપ્રધાને સરદારધામના લોકાર્પણ બાદ રોડ શોના માધ્યમથી ગદા સર્કલથી જૂના એરપોર્ટના ગેટ સુધી જાહેર યાત્રા કરીને લોક અભિવાદન ઝીલ્યું હતું, જેમાં વડોદરાની જનતાએ પોતાના લોકલાડીલા જનનાયકને ભારે હર્ષોલ્લાસ અને ઉમળકાભેર આવકાર્યા હતા. અંદાજે દોઢ કિલોમીટર લાંબા આ ઐતિહાસિક માર્ગ પર વડોદરાવાસીઓમાં PM મોદીની ઝલક જોવા અને તેમનું અભિવાદન કરવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.

વડાપ્રધાન મોદીએ ફરી રાષ્ટ્રજોગ સંકલ્પો યાદ કરાવ્યા
ગઈ કાલે હૈદરાબાદ બાદ આજે વડોદરામાં વડાપ્રધાન મોદીએ ફરી કહ્યું કે જ્યાં સુધી સામાન્ય સ્થિતિ ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરિયાત પ્રમાણે વાપરો, ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરો, ઑફિસમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવો, વિદેશમાં લગ્ન કરવા તેમજ ફરવા જવાનું ટાળો, ભારતમાં પ્રવાસને મહત્ત્વ આપો, વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરો, શાળાઓ પણ ઓનલાઇન ક્લાસીસને મહત્ત્વ આપો. આ નાના નાના પ્રયાસ જો 140 કરોડ લોકો એક સાથે અનુસરે તો રાષ્ટ્રની તાકાત વધશે. જેનાથી આવેલું સંકટ ભારતની પ્રગતિ અને વિકાસને અવરોધે નહીં.
ગુજરાતમાં રાજનૈતિક સ્થિરતાને મહત્ત્વ: PM
'બંગાળ, આસામ અને પુડુચેરીના પરિણામથી દેશ ખુશ, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ શાનદાર પરિણામ આવ્યું, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા રાજનૈતિક સ્થિરતાને મહત્ત્વ આપ્યું, આ લોકોની દૂરદર્શિતા છે, જ્યાં રાજનૈતિક સ્થિરતા ત્યાં અર્થ વ્યવસ્થાને ગતિ, ગુજરાતે આ વાત પહેલાથી સમજી લીધી છે, જેનું પરિણામ વિકાસના નામે મળી રહ્યું છે'
'તમારા કાર્યક્રમનો હિસ્સો મને સુખદ લાગે છે અને લાગે છે કે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે. જ્યારે ક્યાંય વાસ્તવિક બદલાવ થાય છે તે સમાજની સામુહિક તાકાતથી જ થાય છે. વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે આજનો આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી'
'સરદારધામ-3'ની ખાસિયતો
વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નિર્માણ
4.75 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા, આશરે 150 કરોડનો ખર્ચ
2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ
દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી
PM મોદીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
સાંજે 5:30 કલાકે: વડાપ્રધાનનું વડોદરા ઍરપૉર્ટ ખાતે આગમન થશે.
સાંજે 6:00 કલાકે: ઍરપૉર્ટથી સીધા તેઓ 'સરદારધામ' ખાતે પહોંચશે.
સાંજે 7:00 કલાક સુધી: સરદારધામના લોકાર્પણનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ સંબોધન પણ કરી શકે છે.
સાંજે 7:30 કલાકે: લોકાર્પણ બાદ હરણી ગદા સર્કલથી ઍરપૉર્ટ સુધી એક ભવ્ય 'રોડ શો'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
રાત્રે 8:00 કલાકે: રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.
મહત્ત્વના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને પગલે શહેરના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. 11 મે, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી PMના નિર્ધારિત રૂટ પર સામાન્ય જનતા માટે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડિવિઝનલ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને નાગરિકોને નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
માર્ગ પ્રતિબંધ અને ડાયવર્ઝન
ગોલ્ડન બ્રિજથી શહેરમાં પ્રવેશબંધી રહેશે, સાથે જ ઍરપૉર્ટ સર્કલથી મોતીભાઈ પટેલ સર્કલ સુધીનો રસ્તો પણ બંધ રાખવામાં આવ્યો છે. તેની જગ્યાએ હરણી અને ગદા સર્કલ તરફ જતાં વાહનચાલકોએ સમા લિંક રોડ અને દેણા ચેક પોસ્ટ જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. સુરક્ષાના કારણોસર નિર્ધારિત રૂટની બંને બાજુએ 100 મીટર સુધી કોઈપણ વાહન પાર્ક કરી શકાશે નહીં. આ તમામ નિયમો 11 મે, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. અમિતનગર બ્રિજ અને સંગમ ચાર રસ્તા જેવા રૂટ ઍરપૉર્ટ તરફ જવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.
ગરમીમાં ઠંડા પાણી અને પીણાની સગવડ
આ ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે વડાપ્રધાનને આવકારવા અને તેમનું ભવ્ય સ્વાગત કરવા વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનોને સ્વાગત સ્થળે લાવવા લઈ જવા માટે 300 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં ત્રાહિમામ ગરમીમાં પણ ઉત્સાહિત શહેરીજનોને લઈ જવા લાવવા માટે નવલખી મેદાન ખાતેથી 100 બસમાં લોકોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની ત્રાહિમામ ગરમીમાં આ તમામને બસમાં ઠંડા પાણી સહિત ઠંડા પીણા પણ સગવડ આપવા સહિત ઠંડા પાણીના જગ પણ બસમાં રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે નાસ્તા સહિત ફૂડ પેકેટ પણ તમામને આપવા સહિત લીંબુ પાણીનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ફૂડ સેફટી ઑફિસરે જણાવ્યું હતું.
5 ખાનગી ટ્રાવેલ્સની 120 બસો સહિત 300 બસો ગોઠવાઈ
ઉત્સાહિત શહેરીજનોને લાવવા લઈ જવા માટે ખાનગી પાંચ ટ્રાવેલ્સની 120 બસ સહિત કુલ 300 બસ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રવાના થશે. આ ઉપરાંત સ્વાગત સ્થળે ત્રાહિમામ ગરમીના કારણે કોઈની પણ તબિયત બગડે તો તાત્કાલિક સહાય માટે પણ પાલિકા દ્વારા અલગથી મેડિકલ ટીમની ચોક્કસ વ્યવસ્થા થશે તેવી પણ માહિતી મળી હતી.


