અમદાવાદ: ખાનગી હોસ્પિટલોના તબીબોનો તંત્ર સામે વિરોધ, OPD સહિતની હેલ્થ સિસ્ટમો ખોરવાઈ જતા દર્દીઓના હાલ બેહાલ

અમદાવાદ,તા.22 માર્ચ 2021,મંગળવાર
અમદાવાદમાં ખાનગી હોસ્પિટના તબીબોએ AMC દ્વારા આપવામાં આવતા સી-ફોર્મ સર્ટિફિકેટમાં પડતી તકલીફો સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો…વિરોધને લઈ તબીબોએ વલ્લભ સદનથી રિવરફ્રન્ટ કોર્પોરેશન કચેરી સુધી રેલી યોજી હતી..વિરોધને લઈ ખાનગી હોસ્પિટલનાં તબીબો ઓપીડીથી અળગા રહ્યાં હતા. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ (AHNA) સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના તબીબો બીયુ, ફોર્મ સી રજીસ્ટ્રેશનના મહત્વના મુદ્દાને લઈને માર્ગ પર ઉતરીને રેલી યોજી હતી. તબીબોએ શહેરના આશ્રમ રોડ ખાતે વિવિધ બેનરો દર્શાવીને વિરોધપ્રદર્શન કર્યું હતું. બહોળી સંખ્યામાં તબીબો, પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયા હતા. આ અંતર્ગત OPD બંધ રહેતા દર્દીઓને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બિલ્ડિંગમાં બીયુ ન હોય ત્યાં જે તે સમયે અસ્તિત્વમાં હોય તે કાયદા પ્રમાણે નાના મોટા સ્ટ્રક્ચરમાં બદલાવ કરવી બીયુ આપવામાં મદદ કરવામાં આવે તેમજ હાલ જે હોસ્પિટલોને ફોર્મ-સી આપવામાં આવેલા છે તેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવા માટે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના) દ્વારા માગણી કરવામાં આવી છે.
ફોર્મ ‘સી’ રજીસ્ટ્રેશનના રીન્યુઅલ અને બીયુના પ્રશ્નના મુદ્દે ‘આહના’ દ્વારા 22 માર્ચ સવારે 7 કલાકે પ્રતિકાર રેલી યોજાશે. આશ્રમ રોડ ખાતેના વલ્લભ સદનથી આ રેલીનો પ્રારંભ થશે અને રિવરફ્રન્ટ પર આવેલી મ્યુનિ. કચેરી પર આવેદન આપવામાં આવશે. આ રેલીમાં 7૦૦ જેટલા ડોક્ટર્સ-સ્ટાફ ભાગ લેશે. આ અંગે એસોસિયેશનના હોદ્દેદારોએ જણાવ્યું કે, ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમવાર હોસ્પિટલના રજીસ્ટ્રેશનના રીન્યુઅલ માટે બીયુ પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી છે. દર્દી તેમજ સામાન્ય જનતા માટેની આગ સામેની સલામતી માટે જરૂરી સિસ્ટમ તમામ હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સમાં ઉપલબ્ધ છે તેમજ ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે. આ બાબત અંગે અમે કોઇ બાંધછોડ નહીં કરવા અમે પ્રતિબદ્ધ છીએ. ‘
એસોસિયેશનના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું કે, ‘જેમ જેમ શહેર વિકસતું થયું તેમ સિસ્ટમ બદલાતી ગઇ પરંતુ બીયુ માટેના કાયદાઓ સ્થળ પરની પરિસ્થિતિને સુસંગત નહીં હોવાથી મોટાભાગની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સ એસોસિયેશનને બીયુ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ઔડા વર્ષ 1978માં અસ્તિત્વમાં આવ્યું જ્યારે બીયુ પરમિશનની પ્રથા 1978થી શરૂ કરાઇ. વર્ષ 2૦૦2 સુધી મોટાભાગની બિલ્ડિંગો દ્વારા બીયુ પરમિશન લેવાની અગત્યતા નહીં જોવાતાં બીયુ લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત અનેક હોસ્પિટલ્સ ગ્રામ પંચાયતના ક્ષેત્રમાં હોવાથી બીયુ સિસ્ટમ અમલમાં નહોતી. છેલ્લા કેટલાક વર્ષમાં જીડીસીઆરમાં થયેલા ફેરફાર સામાન્ય વ્યક્તિ માટે સમજવા મુશ્કેલ છે. કેટલાક કોમર્શિયલ કોમ્પલેક્સમાં અન્ય લોકો પણ તૈયાર ન હોવાથી બીયુ પરમિશનમાં મુશ્કેલી નડી રહી છે. ‘
જોઇન્ટ સેક્રેટરી ડો. જીગર શાહે જણાવ્યું કે, ‘અમારી માગણીઓ ખૂબ જ સરળ છે. હાલ જે સંસ્થાને ફોર્મ સી આપવામાં આવ્યું છે તેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા જે બિલ્ડિંગમાં બીયુ ન હોય ત્યાં જે તે સમયે અસ્તિત્વમાં હોય તે કાયદા પ્રમાણે નાના-મોટા સ્ટ્રક્ચર બદલાવ કરીને બીયુ આપવામાં મદદ કરવામાં આવે.'
ટ્રેઝરર ડો. દિવ્યાંગ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ‘રાજ્ય સરકાર તેની ગંભીરતા સમજતી હોય તો આ માગણી સહેલાઇથી સ્વિકારી શકાય એમ છે. પરંતુ એમ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં હાલની હેલ્થકેર સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઇ જવાની સંભાવના છે. ‘




