PGVCL Mega Drive: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ(PGVCL) આજે(25 ફેબ્રુઆરી, 2026) સૌરાષ્ટ્ર અને કચ્છમાં બાકી વીજ બિલની વસૂલાત માટે 'ડિસ-કનેક્શન ડે' જાહેર કરીને મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ મેગા ડ્રાઈવ હેઠળ PGVCL દ્વારા બે કે તેથી વધુ બિલ ભરવાના બાકી હોય તેવા ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ₹652 કરોડનું લેણું છે, ત્યારે બિલ ન ભરનારા સૌરાષ્ટ્ર-કચ્છના 28 લાખ જેટલાં વીજ કનેક્શન સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
બે કે તેથી વધુ બિલ ભરવાના બાકી હશે તો વીજ જોડાણ કપાશે
PGVCLના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ ₹652.99 કરોડનું વીજ બિલ બાકી છે. આ વસૂલાત માટે તંત્ર દ્વારા 2700 જેટલી ટીમો બનાવીને મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ અંદાજે 28 લાખ જેટલા વીજ જોડાણો કાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. માત્ર રાજકોટ શહેર અને જિલ્લામાં જ ₹130.51 કરોડની માતબર રકમ બાકી હોવાનું સામે આવ્યું છે.
PGVCL અનુસાર, મોરબી જિલ્લામાં કુલ ₹54 કરોડનું વીજ બિલ બાકી છે. જેમાં મોરબી જિલ્લામાં જેમનું બિલ રૂ.1000થી વધુ હોય ભરપાઈ કરવામાં આવ્યું ન હોય તેવા કુલ 75,432 ગ્રાહકો છે. જેની સામે 20 ડિવિઝનની 210 ટીમો કાર્યરત કરવામાં આવી છે. સૌથી વધુ બાકી લેણામાં હળવદ નગરપાલિકામાં ₹8.16 કરોડ છે. ત્યારબાદ માળિયા નગરપાલિકાના ₹92 લાખ અને ટંકારાના ₹22 લાખ બાકી છે.
કોના કનેક્શન કપાશે?
તંત્રના જણાવ્યા મુજબ, જે ગ્રાહકોએ છેલ્લા બે બિલની ચૂકવણી કરી નથી, તેઓ કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર કાપી નાખવામાં આવશે. આ ડ્રાઈવમાં રહેણાંક, વાણિજ્યિક અને સરકારી કચેરીઓ એમ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી
PGVCLએ ગ્રાહકોને અપીલ કરી છે કે, બિલ ભરવાનું બાકી હોય તેવા ગ્રાહકો PGVCLની સત્તાવાર વેબસાઈટ કે UPI માધ્યમ થકી ઓનલાઈન બિલ ભરી શકશે. આમ, બાકી લેણાં આજની તારીખ સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ કનેક્શન કાપવામાં આવશે.


