ખેડૂતને બંધક બનાવી શખ્સોએ રૂપિયા 11 લાખની લૂંટ ચલાવી

- ગઢડા તાલુકાના ચિરોડા ગામે મોડી રાત્રીના બનેલો બનાવ
- કપાસ વેચાણના રૂપિયા તસ્કરો ઉઠાવી ગયા, બનાવને લઈ પોલીસ વડા સહિત જિલ્લા ભરનો પોલીસ કાફલો દોડી ગયો
બનાવની જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના ચિરોડા ગામે રહેતા ખેડૂત પટેલ રઘુભાઈ કરશનભાઈ કેવડીયા (ઉ.વ ૫૫) ગત રાત્રીના ૧૧.૦૦ના સુમારે પોતાના રહેણાકી મકાનના વચ્ચેના રૂમમાં સુતા હતા. તે વેળાએ મોડી રાત્રીના ૨.૩૦ કલાકના અરસા દરમિયાન બાથરૂમ જવા માટે જાગતા અન્ય રૂમના બારણા ખુલ્લા જોતા તપાસ કરતા કબાટનો સામાન વેર વિખેર હાલતે જોવા મળ્યો હતો. દરમિયાન ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ ઘસી આવી તેના મોંઢામાં ડુચો દઈ ગળાના ભાગે છરી ટેકવી ઢસડીને તેના રૂમમાં લઈ જઈ શેટી ઉપર સુવડાવી હાથ-પગ બાંધી દઈ માથાના ભાગે ચાદર ઢાંકી દઈને ઢીંકાપાટુનો માર મારી તેના રૂમમાં કબાટ તેમજ તિજોરીનો સામાન બહાર કાઢી, કબાટમાં કપાસ વેંચાણના મુકેલ રૂપિયા ૧૧ લાખ, તેમજ રાધા કૃષ્ણની પંચધાતુની મૂર્તી જેને સોનાની સમજી ચોરી કરી તેના પગે બાંધેલ દોરી છોડી નાસી છુટયા હતા.
બનાવની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા. જ્યારે ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાય.એસ.પી., પી.આઈ, પી.એસ.આઈ., એલસીબી, એસઓજી અને ડોગ સ્કોડ સહિતનો મસ મોટો પોલીસ કાફલો ચિરોડા ગામે દોડી આવ્યો હતો. અને સઘન તપાસ હાથ ધરી હતી. ખેડૂતને બંધક બનાવી ચોરીનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ ખેડૂત રઘુભાઈના બે દિકરા સુરત મુકામે પોતાના પરિવાર સાથે રહેતા હોવાનુ તેમજ તેમના પત્ની બનાવ વેળાએ હાલ સુરત ગયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. ઉક્ત બનાવ અનુસંધાને રઘુભાઈ કેવડીયાએ ફરિયાદ આપતા ગઢડા પોલીસે ચાર અજાણ્યા શખ્સ સામે આઈપીસી. ૪૫૮, ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.




