Vadodara : શિયાળાની ઋતુની વિદાય થઈ રહી હોવાનો અહેસાસ હવામાનમાં તાપમાનના પારાની વધઘટથી સ્પષ્ટ જણાય છે. જોકે હાલ વહેલી સવારે સામાન્ય ઠંડી પછી દિવસભર ગરમીનો માહોલ રહે છે. છેલ્લા એક સપ્તાહમાં તાપમાનનો પારો 4 ડિગ્રી ઘટ્યો હોવા છતાં વહેલી સવારે માત્ર ઠંડકમય આલહદક વાતાવરણનો અનુભવ થાય છે.
ગઈ તા.2, ફેબ્રુઆરીએ તાપમાનનો પારો 20.4 ડિગ્રી હતો બીજા દિવસે 19.8 થયા બાદ તા.4થીએ પારો 19.6 થઈને 19.4 સુધી તા.5મીએ પહોંચ્યો હતો. તા.6ઠ્ઠીએ પારો 18, અને બીજા દિવસે 17.2 રહીને ગઈકાલે 17.0 ડિગ્રીએ પારો પહોંચ્યા બાદ આજે 16.4 સુધી તાપમાનનો પારો ગગડ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં 20.4થી આજ દિન સુધીમાં પારો 4 ડિગ્રી ઘટ્યો છે. આમ માત્ર એક સપ્તાહમાં જ તાપમાનનો પારો 4 ડિગ્રી ઘટવા છતાં હવે વહેલી સવારે પણ અલહાદક ઠંડી મહેસુસ થતી નથી. જોકે બપોરે ગરમી શરૂ થતા પંખા અને એસી, કુલર ચાલુ કરવાની ફરજ પડે છે.
હવે આગામી દિવસોમાં ફરી એકવાર તાપમાનનો પારો ઊંચે જવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે હવે શિયાળાના દિવસોની વિદાય નિશ્ચિત જણાય છે.


