Get The App

કપડવંજ ખાતેના પાંજરાપોળમાં પશુની દયનીય સ્થિતિ : 5-6 પશુઓના મોત

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
કપડવંજ ખાતેના પાંજરાપોળમાં પશુની દયનીય સ્થિતિ : 5-6 પશુઓના મોત 1 - image

- ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો 

- પશુ પ્રેમીઓમાં ચેરીટી કચેરી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ તરવામાં આવે તેવી માંગ ઉઠી

કપડવંજ : કપડવંજમાં આવેલી શેઠ મીઠાલાલ ગુલાબચંદ પાંજરાપોળ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક હૃદયદ્રાવક વીડિયોમાં પાંજરાપોળના પટાંગણમાં અંદાજે ૫થી ૬ પશુઓ મૃત હાલતમાં પડેલા જોવા મળતા પશુ પ્રેમીઓ અને ગૌભક્તોમાં વહીવટી કર્તાઓ સામે ફિટકારની લાગણી જન્મી છે.

વાયરલ થયેલા વીડિયોમાં પશુઓની સ્થિતિ અત્યંત દયનીય અને કુપોષિત હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. ગૌભક્તો દ્વારા ગૌમાતાના નામે અઢળક દાન આપવામાં આવતું હોવા છતાં પશુઓના આ પ્રકારે મોતના સમાચારથી અનેક સવાલો ઉભા થયા છે. પશુ પ્રેમીઓનો આક્ષેપ છે કે, વહીવટદારોના શંકાસ્પદ વહીવટ અને પશુઓની યોગ્ય દેખરેખના અભાવે આ નિર્દોષ જીવોએ જીવ ગુમાવ્યો છે.

આ ઘટનાએ પાંજરાપોળના ગત વર્ષના વિવાદોને ફરી જીવંત કર્યા છે. ગત વર્ષે આ જ પાંજરાપોળમાં સતત ત્રણ દિવસ સુધી શંકાસ્પદ રીતે આગ લાગી હતી, જેમાં લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. નગરપાલિકાના ફાયર બ્રિગેડે સતત ત્રણ દિવસ મહેનત કરી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે સમયે પણ વહીવટદારો સામે અનેક શંકા-કુશંકાઓ ઉઠી હતી. આ આગ પાછળનું સાચું કારણ શું હતું તેની વિગતો આજદિન સુધી જાહેર થઈ નથી.

ગૌભક્તો અને સ્થાનિકોમાં ઉગ્ર ચર્ચા છે કે, જો લાખો રૂપિયાનું ડોનેશન ઉઘરાવવામાં આવતું હોય, તો પશુઓની હાલત આટલી દયનીય કેમ છે? વાછરડાઓના આટલી મોટી સંખ્યામાં મોત પાછળ જવાબદાર કોણ? વહીવટી કર્તાઓ સામે યોગ્ય તપાસ કેમ કરવામાં આવતી નથી? આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા હવે પશુ પ્રેમીઓએ ચેરીટી કચેરી અને ઉચ્ચ સરકારી અધિકારીઓ પાસે આ બાબતે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જવાબદાર વહીવટદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પાંજરાપોળના વહીવટમાં પારદશતા લાવવામાં આવે તેવી લોકલાગણી પ્રબળ બની છે.