Gujarat

પંચમહાલમાં ઓપરેશન 'મ્યૂલ હંટ', 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3ની ધરપકડ

By GS TEAM
20 May 20263 mins read
TukuTouch Logo
પંચમહાલમાં રાજ્યવ્યાપી ઓપરેશન 'મ્યૂલ હંટ'ની તપાસમાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે. શહેરા પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના એક ગુનામાં પી.ડી.સી. બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ શાતિર આરોપીઓએ માત્ર 30 થી 35 દિવસના ટૂંકા ગાળામાં જ ચાર બેંક ખાતાઓની મદદથી રૂપિયા 3.27 કરોડથી વધુની માતબર રકમની હેરાફેરી આચરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલમાં ઓપરેશન 'મ્યૂલ હંટ', 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3ની ધરપકડ

Panchmahal News: પંચમહાલમાં રાજ્યવ્યાપી ઓપરેશન 'મ્યૂલ હંટ'ની તપાસમાં શહેરા પોલીસને સફળતા મળી છે. શહેરા પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના એક ગુનામાં પી.ડી.સી. બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ શાતિર આરોપીઓએ માત્ર 30 થી 35 દિવસના ટૂંકા ગાળામાં જ ચાર બેંક ખાતાઓની મદદથી રૂપિયા 3.27 કરોડથી વધુની માતબર રકમની હેરાફેરી આચરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

'સમન્વય પોર્ટલ'ના ડેટાથી ખૂલ્યું સાયબર કૌભાંડ

સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા 'મ્યૂલ એકાઉન્ટ્સ' સામે કડક કાર્યવાહી કરવા માટે શહેરા પોલીસે ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરના 'સમન્વય પોર્ટલ' પરથી મહત્વનો ડેટા મેળવ્યો હતો. આ પોર્ટલ પર સાયબર ક્રાઈમમાં વપરાયેલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ, હાઇ વેલ્યુ ચેક ટ્રાન્ઝેક્શન અને એટીએમ વિડ્રોલની વિગતો ઉપલબ્ધ હતી. આ સચોટ ડેટાના આધારે વર્ષ 2025માં શહેરા પોલીસ મથકે સાયબર ક્રાઈમનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી સુરતથી બે ઝડપાયા

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. જેના આધારે પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વિષ્ણુનગર-2 માંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમના નામ નીચે મુજબ છે

-આદર્શ વિજય શુકલા (ઉં.વ. 19): મૂળ રહે. કનાવા, પોસ્ટ બીજુરકા, જિ. જોતપુર, ઉત્તરપ્રદેશ.

-જીશુ પંકજ મિશ્રા (ઉં.વ. 21): મૂળ રહે. ધાજી સિરસીમવ, સીતામઢી, બિહાર.


બેંકના પૂર્વ બ્રાન્ચ ઓફિસર નીકળ્યા મુખ્ય સૂત્રધાર

પકડાયેલા બંને આરોપીઓની પોલીસે જ્યારે સઘન પૂછપરછ હાથ ધરી ત્યારે સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે પી.ડી.સી. બેંકના તત્કાલીન કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સપન ઘનશ્યામભાઈ પરીખ (રહે. મેડિસિટી એપાર્ટમેન્ટ, માર્કેટિંગ યાર્ડ, ગોધરા)ની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. પોલીસે વિલંબ કર્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરી સપન પરીખની પણ ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ગેરરીતિ સામે આવતા બેંક દ્વારા અગાઉ જ સપન પરીખને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો હતો.

30 થી 35 દિવસમાં જ કરોડોની હેરાફેરી

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સુરતના ચાર અલગ-અલગ વ્યક્તિઓના નામે શહેરાની પી.ડી.સી. બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ ચારેય 'મ્યૂલ એકાઉન્ટ'માં માત્ર 30 થી 35 દિવસના ટૂંકા ગાળામાં જ રૂ. 3.27 કરોડની મોટી રકમ જમા કરાવીને ઉપાડી લેવામાં આવી હતી.

ત્રણેય આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ દરમિયાન આ કૌભાંડમાં અન્ય બે સાગરીતોની સંડોવણી પણ બહાર આવી છે,  પોલીસે આ બંને ફરાર આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

1: સાગર અશોક સેન (રહે. સુરત)

2: રાહુલ બારીઆ ઉર્ફે રાહુલ અગ્રવાલ (રહે. દાહોદ)


છેક કેરળ સુધી જોડાયા તાર

તપાસ દરમિયાન વધુ એક મહત્વની કડી હાથ લાગી છે, જેમાં આ ચાર પૈકીના એક બેંક ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શન સંદર્ભે કેરળના તિરુવનંતપુરમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુ.ર.નં. 66/2025થી ગુનો નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. શહેરા પોલીસે આ અંગે તિરુવનંતપુરમ સાયબર ક્રાઈમ વિભાગને પણ સત્તાવાર જાણ કરી દીધી છે. હાલ આ આંતરરાજ્ય કૌભાંડમાં પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસનું 'રિસોર્ટ પોલિટિક્સ', દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવાના

જાણો, શું હોય છે 'મ્યૂલ એકાઉન્ટ'?

'મ્યૂલ એકાઉન્ટ' એટલે સાયબર ગુનેગારો દ્વારા ભોળા-અજ્ઞાત લોકોના નામે અથવા તો સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને ખોલાવવામાં આવેલા બેંક ખાતા. સાયબર માફિયાઓ આ ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા કાળા નાણાંને જમા કરવા અને ત્યારબાદ તેને તાત્કાલિક ઉપાડી લેવા માટે કરે છે, જેથી પોલીસ તપાસમાં મૂળ ગુનેગાર સુધી સરળતાથી પહોંચી ન શકાય અને ખાતાધારક તેમાં ફસાઈ જાય.