Gujarat

પાલિતાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે શખ્સને 2-2 વર્ષની સજા ફટકારી

By GS TEAM
14 Mar 20262 mins read
પાલિતાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે શખ્સને 2-2 વર્ષની સજા ફટકારી

- ભાવનગરના શખ્સે દુબઈમાં નોકરી અપાવવાના બહાને સાડા 3 લાખ લીધા હતા

- મોડાસાના શખ્સે મિત્ર પાસેથી આઠ લાખ રૂપિયા લીધા બાદ પરત ન આપ્યા

ભાવનગર : પાલિતાણા કોર્ટમાં દાખલ થયેલા ચેક રિટર્ન કેસના બે અલગ-અલગ કેસમાં બે શખ્સને બે-બે વર્ષ સાદી કેદની સજા ફટકારી હતી.

પાલિતાણાના રંડોળા ગામે અને હાલ સુરતમાં રહેતા લખમણભાઈ ભીખાભાઈ બાબરિયાના પુત્રને દુબઈમાં એક જહાર પર નોકરી અપાવવાનું બહાનું કાઢી દીપક જેન્તીભાઈ ચૌહાણ નામના શખ્સે રૂા.૩,૫૦,૦૦૦ રોકડા લીધા બાદ નોકરી ન અપાવી તા.૧૦-૧૦-૨૦૨૨ના રોજ સાડા ત્રણ લાખની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં લખમણભાઈ બાબરિયાએ તેમના વકીલ મારફત દીપક ચૌહાણ સામે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પાલિતાણાના એડી. સિવિલ જજ અને જેએમએફસી એ.વી. વર્માએ આરોપી દીપક જેન્તીલાલ ચૌહાણ (રહે, પ્લોટ નં.૨૬-૨૭/સી, લક્ષ્મણ બંગ્લોઝ, લીલા ઉડાન ફ્લેટ, નવા રીંગ રોડ, એરપોર્ટ રોડ, ભાવનગર)ને તકસીરવાન ઠેરવી બે વર્ષ સાદી કેદની સજા, બે મહિનામાં ફરિયાદીને બે લાખ રૂપિયાનું વળતર છ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

બીજા કેસમાં પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે રહેતા જીજ્ઞોશભાઈ કાળુભાઈ ચૌહાણ પાસેથી તેના મિત્ર પંકજ કેશાભાઈ પટેલ (રહે, મોટી ઈસરોલ, પટેલ ફળિયું, મોડાસા, અરવલ્લી) નામના શખ્સે આઠ લાખ રૂપિયા હાથઉછીના લીધા બાદ આપેલો ચેક બાઉન્સ થયો હતો. જે અંગે કોર્ટમાં થયેલી ફરિયાદમાં પાલિતાણાના એડી. સિવિલ જજ અને જેએમએફસી એ.વી. વર્માએ આરોપી પંકજ પટેલને બે વર્ષ સાદી કેદની સજા, ફરિયાદીને બે માસમાં ત્રણ લાખનું વળતર છ ટકા વ્યાજ સાથે ચૂકવવા ફરમાન કર્યું છે.