Gujarat

ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

By GS TEAM
22 Dec 20251 min read
ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

- જિલ્લામાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો મેદાને પડયાં

- મોરબી એસઓજીએ આંદરણા ગામના શખ્સને 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી કાર્યવાહી હાથ ધરી

હળવદ : મોરબી શહેર-જિલ્લામાં દેશી, વિદેશી દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થના વેચાણ સાથે યુવાધનને બરબાદ કરવા હવે ડ્રગ્સ માફિયાઓ મેફેડ્રોન ડ્રગ્સના પેડલરોને પણ મેદાનમાં ઉતારી નશાનું નેટવર્ક વિસ્તાર્યું હોવાની હકીકત વચ્ચે મોરબી એસઓજી ટીમે હળવદ - મોરબી હાઇવે પર અદાણી સીએનજી પંપ પાસેથી એક શખ્સને ૯.૪૮ ગ્રામ મેફેડ્રોન સાથે દબોચી લઈ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઇવે રોડ પર સી.એન.જી પંપ પાસે આવેલા દ્વારકાધીશ હોટલનો માલિક  રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા/ભરવાડ (ઉ.વ.૩૪,રહે. આંદરણા, તા.જી.મોરબી) ગેરકાયદેસર મેફેડ્રોન પાવડર સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન પાવડર ૯.૪૮ ગ્રામ (રૂ.૨૮,૪૪૦) રોકડ (રૂ.૩,૪૦૦), એક-મોબાઇલ (રૂ.૫,૦૦૦) મળી કુલ રૂ. ૩૭,૩૪૦ મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરાવી નશીલું મેફેડ્રોન ક્યાંથી લાવ્યો અને કોને - કોને વેચાણ કર્યુંં તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.