Ahmedabad

જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવી

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. EDએ દલીલ કરી હતી કે પટેલના ફોનમાંથી 800 ફોટોગ્રાફ મળ્યા હતા અને તેમણે "How to Reset Samsung S24 Ultra" સર્ચ કર્યું હતું. ED મુજબ, NA કરવા માટે લાંચનું વ્યવસ્થિત માળખું હતું અને પટેલે ₹3 કરોડથી વધુ કમાણી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવી
ફાઈલ તસવીર

Former Surendranagar Collector Rajendra Patel Bail Rejected: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કેસમાં હાઈકોર્ટે રાજેન્દ્ર પટેલની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.

ગૂગલ પર સર્ચ કર્યું હતું મોબાઈલ રીસેટ
સુનાવણી દરમિયાન EDએ દલીલ કરી હતી કે અરજદારના મોબાઇલ ફોનમાંથી આશરે 800 જેટલા ફોટોગ્રાફ મળી આવ્યા છે, જે લાંચના વહીવટ અને ગેરકાયદે નાણાકીય વ્યવહારો પર તેમની સીધી નજર હોવાનું દર્શાવે છે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે પોતાની સામેના સંભવિત પુરાવાનો નાશ કરવા અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે આરોપીએ ગૂગલ પર "How to Reset Samsung S24 Ultra" સર્ચ કર્યું હતું, જેને તપાસમાં મહત્વની પરિસ્થિતિજન્ય બાબત ગણાવવામાં આવી છે.

EDએ કર્યા ચોંકાવનારા ખુલાસા
EDના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિનખેતી (NA)માં ફેરવવા માટે લાંચનું સુનિયોજિત માળખું કાર્યરત હતું. ગેરકાયદે વસૂલાતમાંથી 50% હિસ્સો કલેક્ટર, 25% નિવાસી અધિક કલેક્ટર (RAC) અને બાકીની રકમ અન્ય કર્મચારીઓ વચ્ચે વહેંચાતી હતી. અરજદારના કાર્યકાળ દરમિયાન 501 CLU (Change of Land Use) અરજીઓ પ્રક્રિયા હેઠળ આવી હતી, જેમાંથી આશરે ₹7.14 કરોડની ગુનાહિત કમાણી થઈ હોવાનું EDએ રજૂ કર્યું હતું. તેમાં પૂર્વ કલેક્ટરનો હિસ્સો રૂપિયા 3 કરોડથી વધુ હોવાનું પણ જણાવાયું છે.

બીજી તરફ, અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. કોઈ ખેડૂત કે કથિત ભોગ બનનારનું નિવેદન નોંધાયું નથી તેમજ મુખ્ય ભ્રષ્ટાચાર કેસમાં હજુ સુધી ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. અન્ય સહ-આરોપીઓની ધરપકડ ન થઈ હોવાથી સમાનતા (Parity)ના આધારે તેમજ પોતાની નબળી તબિયતને ધ્યાનમાં રાખી જામીન આપવા વિનંતી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, હાઈકોર્ટે EDના પ્રાથમિક પુરાવા અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.