Get The App

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ

બિચ્છુ ગેંગ સામેની કાર્યવાહીને ફટકો : પોલીસ હવે હાઇકોર્ટમાં જશે

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ 1 - image

વડોદરા : વડોદરા શહેરમાં દાયકાઓથી આતંક મચાવનાર બિચ્છુ ગેંગના સૂત્રધાર અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ અને કુખ્યાત મહમદહુસૈન ઉર્ફે મુન્નો તરબૂચ વિરુદ્ધ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વર્ષ ૨૦૨૧માં ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેમની મિલકતો જપ્ત કરી હતી. જોકે, તાજેતરમાં વડોદરાની અદાલતે આ જપ્તીના આદેશને આંશિક રીતે રદ કરી મોટાભાગની સ્થાવર અને જંગમ મિલકતોને મુક્ત કરવાનો આદેશ કરતા હવે આ આદેશ સામે પોલીસ દ્વારા હાઇકોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરવા રાજ્ય સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે અગાઉ અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની માતબર રકમની મિલકતો ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા વસાવેલી હોવાનું જણાવી બન્નેની મિલકતો જપ્ત કરી હતી. પરંતુ કોર્ટમાં આ અંગે બન્ને પક્ષે દલીલો થયા બાદ ન્યાયાધીશે આપેલા ચૂકાદામાં નોંધ્યું હતું કે, આ મિલકતો અને સંગઠિત ગુનાખોરી વચ્ચેનો સીધો સંબંધ સાબિત કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. પરિણામે, અસલમ બોડીયાની તાંદલજા અને વાડી વિસ્તારની મિલકતો તેમજ ૪ રિક્ષાઓ પરની જપ્તી ઉઠાવી લેવાનો આદેશ કર્યો હતો.

જ્યારે આરોપી મુન્ના તરબૂચની મિલકતોમાં દિવાળીપુરા ખાતે આવેલી રો હાઉસની એક સ્કીમ અને  ઈનોવા ગાડીને પણ કોર્ટે મુક્ત કરી છે. જોકે, દિવાળીપુરામાં આવેલું  ફાર્મ હાઉસ  પરની જપ્તી કોર્ટે યથાવત રાખી હતી.ઉલ્લેખનીય છે કે, અસલમ બોડીયો સામે ૬૪ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તાજેતરમાં જ ૧૮ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે પણ તેના ગંભીર ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખી જામીન અરજી ફગાવી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ કોર્ટના આ આદેશથી સરકાર પક્ષ સંતુષ્ટ નથી. પોલીસ હવે મજબૂત પુરાવાઓ સાથે આ ચુકાદાને પડકારવા માટે ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરશે અને તે માટે રાજ્ય સરકારીમાં પ્રપોઝલ પણ મોકલી દેવામ આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

બન્ને આરોપીની પોલીસે જપ્ત કરેલી મિલકતો

પોલીસે જપ્તીની જે કાર્યવાહી કરી હતી તેમાં અસલમ બોડીયોની મિલકતમાં તેનું તાંદલજામાં આવેલુ મકાન, વાડી આવેલો ફ્લેટ  અને ૪ ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે જ્યારે મુન્નો તરબૂચની જે મિલકત જપ્ત (ટાંચમાં લેવાઇ હતી) કરવામાં આવી હતી તેમાં દિવાળીપુરામાં ચાલતી રો હાઉસની સ્કીમ, એક ઇનોવા કાર અને દિવાળીપુરામાં આવેલું ફોર્મ હાઇસનો સમાવેશ થતો હતો. આમ, પોલીસ દ્વારા જે લાખોની કિંમતની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી તે પૈકીની મોટાભાગની મિલકત અદાલતે મુક્ત કરી દેતા આ બાબત હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.