Gujarat

સરકારી મકાન પેટા ભાડે આપનારાઓ પાસેથી બજાર દરે ભાડું વસૂલવા આદેશ

By GS TEAM
1 Apr 20262 mins read
સરકારી મકાન પેટા ભાડે આપનારાઓ પાસેથી બજાર દરે ભાડું વસૂલવા આદેશ

ખોટી રીતે કમાણી કરનારાઓને પસ્તાવાની વેળા

સેક્ટર-29ની સરકારી વસાહતમાં 14 નંબરના એક બ્લોકમાંથી જ ત્રણ-ત્રણ પેટા ભાડુઆતો મળી આવ્યા બાદ કડક કાર્યવાહી

ગાંધીનગર: સેક્ટર ૨૯ની સરકારી વસાહતમાં આકસ્મિક તપાસ કરવા દરમિયાન ૧૪ નંબરના એક બ્લોકમાંથી જ ત્રણ-ત્રણ પેટા ભાડુઆતો મળી આવ્યાનાં કિસ્સામાં આખરે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. જેના અંતર્ગત પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી આવાસ પેટા ભાડે આપનારા લાભાર્થી કર્મચારીઓ પાસેથી બજાર દરે ભાડું વસૂલવા આદેશ કરવામાં આવ્યો છે. પરિણામે ખોટી રીતે કમાણી કરનારાઓને પસ્તાવાની વેળા આવી છે.

પાટનગર યોજના વિભાગની તાજેતરમાં નવી રચાયેલી ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ગત સપ્તાહમાં સેક્ટર ૨૯ની સરકારી વસાહતમાં કરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન બ્લોક નંબર ૧૪માં એક ક્લાર્ક, સીનીયર ક્લાર્ક અને હિસાબનીશને ફાળવાયેલા છ ટાઇપના ક્વાર્ટ્સમાંથી પેટા ભાડુઆત મળી આવ્યા હતાં. તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી, કે ઉપરોક્ત ત્રણે સરકારી કર્મચારીઓને એક વર્ષથી સરકારી આવાસ ફાળવેલા હતાં.

અધિકારી સુત્રો મુજબ સરકારી આવાસ પેટા ભાડે આપી દેવાના કિસ્સામાં લાભાર્થી પાસેથી બજાર દર પ્રમાણે ભાડાની વસૂલાત કરવાની કાયદામાં જોગવાઇ છે. આ ત્રણ કિસ્સામાં પણ પોતાના રહેણાંક હેતુ માટે લાભાર્થી કર્મચારીઓને સરકારી નિયમો અને શરતોને આધિન આવાસની ફાળવણી કરાઇ હતી. નોંધવું રહેશે, કે સેક્ટરોમાં સ્થિત વિવિધ કક્ષાના આવાસો સરકારી કર્મચારીઓને રહેણાંક સુવિધા પુરી પાડવા માટે છે. તેમાં કેટલાક કિસ્સામાં મકાન મેળવનાર લાભાર્થીએ સરકારી આવાસ અન્ય કોઇને ભાડેથી આપી દેવાયાં કિસ્સા ભુતકાળમાં પકડાયાં છે. ત્યારે તાજેતરમાં સરકારી સુચના અનુસાર પાટનગર યોજના વિભાગે કિસ્સા શોધી કાઢવા માટે ફ્લાઇંગ સ્કવોડને ફરીથી સક્રિય કરી હતી.