Gujarat

સિહોરના સખવદર ગામે 3 વીઘા જમીનમાં વાવેતર કરેલ 1132.72 કિલોગ્રામ અફીણ-ગાંજો ઝડપાયો

By GS TEAM
24 Feb 20262 mins read
સિહોરના સખવદર ગામે 3 વીઘા જમીનમાં વાવેતર કરેલ 1132.72 કિલોગ્રામ અફીણ-ગાંજો ઝડપાયો

- પોલીસે સખવદર તથા સર ગામની સીમમાંથી રૂ. 10.86 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

- રવિવારે વહેલી સવારે શરૂ કરેલી કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી, સખવદર ગામના બે સગ્ગાભાઈઓ ઝડપયા, એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધાયો


સિહોર : ભાવનગર અને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો અફીણ અને ગાંજાનો જથ્થો સિહોર પોલીસે ઝડપી પાડયો છે. સિહોર તાલુકાના સખવદર ગામે મરબીવાળો ઢોરો વિસ્તારમાં આવેલી વાડીના ત્રણ વીઘા જમીનમાં વાવેતર કરેલા ૧૧૩૨.૭૨ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે સખવદર ગામના બે શખ્સોને સિહોર પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વહેલી સવારે શરૂ થયેલી કામગીરી ગત મોડી રાત સુધી ચાલી હતી.

ભાવનગર અને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો અફીણ અને ગાંજાનો જથ્થો સિહોર પોલીસે ઝડપી પાડયો છે. સિહોર તાલુકાના સખવદર અને સર ગામના સીમાડે મરબીવાળું ઢોળાવાળી વાડીમાં બોઘા રૂપાભાઈ ચૌહાણ અને તેના ભાઈ સંજય ઉર્ફે મનુ ઉર્ફે સંઘા રૂપાભાઈ ચૌહાણે પોતાની વાડીમાં ગાંજા તથા અફીણના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સિહોર  ડિવાય.એસ.પી. જે.એચ. દહિયાની સુચનાથી સિહોર પી.આઇ. બી.ડી. જાડેજા અને તેમની ટીમે ગતરોજ વહેલી સવારે બાતમીવાળી વાડીમાં તપાસ કરતા સંજય ચૌહાણના ખેતરમાંથી ગેરકાયદે ૪૮૭.૦૬ કિલોગ્રામ પોષ ડોડા અફીણના છોડ, ૨૨.૪૬૦ કિલોગ્રામ સુકવેલ પોષ ડોડા અને ૩.૩૦૦ કિલોગ્રામ લીલા ગાંજાના છોડ મળી કુલ રૂ.૪,૯૦,૭૭,૯૦૦ની કિંમતનો મુદ્દામાલ તથા બોઘા ચૌહાણની વાડીમાંથી ૫૯૯.૯૨ કિલોગ્રામ પોષ ડોડા અફીણના લીલા છોડ ૩.૬૦૦ કિલોગ્રામ સુકવેલ પોષ ડોડા અને ૧૫.૮૪૦ કિલોગ્રામ લીલા તથા સુકાગાંજાના છોડ મળી કુલ રૂ.૬,૦૨,૦૭,૪૦૦ની કિંમતના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લઈ સિહોર પોલીસ મથકમાં એનડીપીએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, રવિવારે વહેલી સવારે શરૂ થયેલી કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. આશરે ૧૮ કલાક સુધી ચાલેલા દરોડા દરમિયાન સિહોર પોલીસે ત્રણ વિઘામાં વાવેતર કરેલા ૧૧૩૨.૭૨ કિલોગ્રામ અફીણ અને ગાંજાનો કુલ રૂ.૧૦,૯૨,૮૫,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને ભાઈઓ નશાના બંધાણી હતા અને બે-ત્રણ મહિનાઓથી તેણે વાડીમાં આટલી મોટી માત્રામાં અફીણ અને ગાંજાનું વાવેતર કરેલું હતું. હાલ જિલ્લા પોલીસવડા દ્વારા આ સમગ્ર કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગૃપને ટ્રાન્સફર કરી દીધી છે.

તપાસમાં જે નામ ખુલશે તેની સામે કાર્યવાહી થશે : એસપી

સિહોરના સખવદર ગામની સીમમાંથી કરોડોની કિંમતમાં અફીણ અને ગાંજાનો જથ્થો મળી આવવા અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાવનગરનો અફીણનો આ મોટો કેસ છે. આ લોકો નશાના આ જથ્થાનો ઉપયોગ કેવી રીતે કરતા હતા અને કોને વેચતા હતા. અગાઉ વાવેતર કરી મોટી માત્રામાં ગાંજો કેટલીવાર વેચ્યો છે કે નહી તેની દિશામાં તપાસ ચાલી રહી છે. તપાસમાં જે નામ ખુલશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.