Gujarat

ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં

By GS TEAM
13 Nov 20252 mins read
ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં

સાથે રહેતા મિત્રોએ જ વિશ્વાસઘાત કર્યો

હૈદરાબાદ પોલીસ યુવાનને લઈ ગઈ ત્યારે કૌભાંડનો ભાંડો ફૂટયો ઃ બે મિત્રો સામે ફરિયાદ દાખલ કરાઇ

ગાંધીનગર :  દાહોદનો યુવાન ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરતો હતો તે દરમિયાન તેમના જ વિસ્તારના બે યુવાનો સાથે સંપર્ક થયો હતો અને તેમણે ભાગીદારીમાં આઈ ટી કંપની ખોલવાનું કહી આ કંપનીમાં સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવી વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દાહોદના ગમલા ગામમાં રહેતો યુવાન રોહિત છત્રસિંહ કલમી ફૂટબોલ તથા રંગબી ગેમનો ખેલાડી છે. જેણે ફરિયાદ નોંધાવી હતી કે, તે ૨૦૧૭થી દાહોદના દેવગઢ બારીયા ખાતે રહેતા સંજીવ બાબુભાઈ બારીયાને ઓળખતો હતો, કારણ કે બંને દાહોદની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા હતા. ફેબુ્રઆરી ૨૦૨૩માં, બંને વધુ અભ્યાસ માટે ગાંધીનગર આવ્યા અને કુડાસણ ખાતે ભાડેથી રહેતા હતા. આ દરમિયાન, સ્વણમ યુનિવસટીમાં અભ્યાસ કરતો ત્રીજો મિત્ર મિહિર બારીયા પણ તેમના સંપર્કમાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, સંજીવ અને મિહિરે આઈટી કંપની ખોલવાની વાત કરી હતી અને જેના પગલે રોહિત તૈયાર થઈ ગયો હતો. સાઈબર સ્પેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સરગાસણ કેપિટલ ફ્લોરા ખાતેથી શરૃ કરવામાં આવી હતી. જે કંપનીમાં ડાયરેક્ટર તરીકે રોહિત અને મિહિર બન્યા હતા. જે કંપનીનું બેક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું અને કંપની શરૃ થયા બાદ રોહિત તેના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. જ્યારે તે કંપની વિશે પૂછતા ત્યારે સંજીવ અને મિહિર કહેતા હતા કે પૈસા ન ભરવાથી કંપની બંધ થઈ ગઈ છે. જોકે ગત ૭ જાન્યુઆરીના રોજ હૈદરાબાદ પોલીસ રોહિતને ગાંધીનગરથી પકડીને લઈ ગઈ હતી અને ત્યારે ખબર પડી હતી કે, આ બંને મિત્રો દ્વારા તેની જાણ બહાર કંપનીના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ અલગ અલગ સાયબર ક્રાઇમમાં કરી રહ્યા હતા. જે એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદો નોંધાયેલી છે. સંજીવ પણ હૈદરાબાદમાં જેલવાસ ભોગવી ચુક્યો છે અને મિહિર બારીયા પણ અમદાવાદના સરખેજના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આ બંને સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.