વડોદરાઃ વડોદરા કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો વચ્ચે ફાયર સર્વિસ પ્રત્યે ભારે બેદરકારી રાખવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
વડોદરાની વસ્તિ અને વિસ્તારના વિકાસની સાથે ફાયર બ્રિગેડની સર્વિસનો તાલમેલ જામતો નથી.પરિણામે શહેરમાં નવા ફાયર સ્ટેશનોની પુરતી સવલત ઉપલબ્ધ નથી.
વડોદરા ફાયર બ્રિગેડના કુલ ૧૬ ફાયર સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.પરંતુ હાલમાં સાત જ ફાયર સ્ટેશન કાર્યરત છે.જેમાં વડીવાડી,ગાજરાવાડી,જીઆઇડીસી,પાણીગેટ, છાણી ટીપી-૧૩ અને વાસણાનો સમાવેશ થાય છે.જ્યારે,દરજીપુરાના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની દેખરેખની જવાબદારી ફાયર બ્રિગેડને સોંપવામાં આવી છે.પણ તે ફાયર બ્રિગેડનું ફાયર સ્ટેશન નથી.
જેથી ૧૬માંથી બાકીના ૯ ફાયર સ્ટેશન ક્યારે કાર્યરત થશે તે હજી નક્કી નથી.ફાયર બ્રિગેડના સૂત્રોનું કહેવું છે કે,સયાજીપુરા, હરણી અને મકરપુરામાં ત્રણ ફાયર સ્ટેશનને મંજૂરી મળી ગઇ છે અને તેના પ્લોટ,નકશા વગેરેના કાગળ કામ બાદ કન્સ્ટ્રક્શનનું કામ હાથ ધરાશે.જો કે,માત્ર ફાયર સ્ટેશનનું બિલ્ડિંગ બનવાથી કામ પતી જતું નથી.તેના માટે સ્ટાફની જરૃર પડશે.જેની પ્રક્રિયા જટિલ હોવાથી કામ વધુ લંબાશે.
ફાયર બ્રિગેડની 50 ટકા ખાલી જગ્યાઓ ક્યારે ભરાશે તે નક્કી નથી
વડોદરા ફાયર બ્રિગેડ પાસે કાયમી કર્મચારીઓ માત્ર ૨૮૨ છે.જે મંજૂર મહેકમ કરતાં ૫૦ ટકા ઓછા છે અને તેની ભરતી પ્રક્રિયા માટે મંજૂરી મળી છે પરંતુ ક્યારે ભરતી થશે તે નક્કી નથી.
ફાયર બ્રિગેડ પણ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પર આધાર રાખી રહ્યું છે અને હાલમાં આશરે ૧૧૭ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહ્યા છે.જેમાં ૧૯ ડ્રાઇવર તો દસ કે તેથી વધુ વર્ષથી કોન્ટ્રાક્ટ પર છે.લેબર કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો પણ આપ્યો છે.પરંતુ કોર્પોરેશને ચુકાદા બાબતે હાઇકોર્ટમાં દાદ માંગી છે.
કર્મચારીઓ દ્વારા વારંવાર કાયમી કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે.પરંતુ મેટર કોર્ટમાં હોવાથી તેની રાહ જોવાઇ રહી છે.
વડોદરા ફાયર બ્રિગેડનો પાંચ જિલ્લામાં ઉપયોગ
વડોદરા ફાયર બ્રિગેડ પાસે ૩૫ ટકા જેટલો સ્ટાફ ઓછો છે અને ફાયર સ્ટેશન પણ અપૂરતા છે.તેવા સમયે વડોદરા શહેરની આસપાસના છોટાઉદેપુર,નર્મદા,પંચમહાલ, દાહોદ,ખેડા જેવા જિલ્લાઓમાં પણ વડોદરા ફાયર બ્રિગેડની સેવાઓ લેવામાં આવતી હોય છે.જેથી વડોદરામાં ગંભીર દુર્ઘટના સર્જાય તો મોટી મુશ્કેલી સર્જાય તેવી દહેશત છે.
ચીફ ફાયરનો હોદ્દો 12 વર્ષથી ચાર્જમાં ચાલે છે
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરનો હોદ્દો વર્ષ-૨૦૧૫થી ચાર્જમાં ચાલી રહ્યો છે.ચાર વર્ષ પહેલાં મહારાષ્ટ્રના મનોજ પાટિલને કાયમી ચાર્જ આપવામાં આવ્યો હતો.પરંતુ ખરીદી કૌભાંડમાં તેઓ સસ્પેન્ડ થતાં હાલમાં ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણ પાસે છે.


