Gujarat

ભૂતપૂર્વ આર્મીમેનને 50 હજાર રૂપિયા ચુકવવા ONGCને આદેશ

By GS Team
12 Mar 20222 mins read
This article was originally published on 12 Mar 2022
ભૂતપૂર્વ આર્મીમેનને 50 હજાર રૂપિયા ચુકવવા ONGCને આદેશ

- ચૌહાણની અરજીને એમ કહીને નકારી દેવામાં આવી હતી કે, ભારતીય સેના દ્વારા જારી કરાયેલ ડિસ્ચાર્જ સર્વિસ બુકમાં તેમની નિપુણતા દર્શાવવામાં આવી નથી

અમદાવાદ, તા. 12 માર્ચ 2022, શનિવાર

ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)ને એક ભૂતપૂર્વ સૈનિકને રૂ. 50,000 ચુકવવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટના કહેવા પ્રમાણે નિવૃત્ત આર્મીમેનની ડ્રાઈવર પદ માટેની ઉમેદવારી જે આધાર પર નામંજૂર કરવામાં આવી તે અયોગ્ય હતું અને તેને ધ્યાનમાં લેવામાં આવે. આ સાથે જ તેમનું નામ અંતિમ મેરિટ યાદીમાં જોડવામાં આવે.

મોહમ્મદ રફીક ચૌહાણ (40)એ પોતાની જિંદગીના 16 વર્ષ ઈન્ડિયન આર્મીમાં ડ્રાઈવર તરીકે સેવાઓ આપેલી છે. તેમણે ONGCની જાહેરાતના અનુસંધાને ભારે વાહનના ડ્રાઈવરની ભરતી માટે અરજી કરી હતી. જોકે ડોમિસાઈલ સર્ટિફિકેટ ન હોવાના કારણે અનેક ઉમેદવારોને તે પદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.  

જોકે હાઈકોર્ટના આદેશ બાદ ONGCએ આ વર્ષની શરૂઆતમાં તેમની અરજીઓ પર પુનર્વિચાર કર્યો હતો. પરંતુ તેમાં ચૌહાણની અરજીને એમ કહીને નકારી દેવામાં આવી હતી કે, ભારતીય સેના દ્વારા જારી કરાયેલ ડિસ્ચાર્જ સર્વિસ બુકમાં તેમની નિપુણતા દર્શાવવામાં આવી નથી અને તેમની પાસે ભારે વાહનો ચલાવવાનો પૂરતો અનુભવ નથી. 

ત્યાર બાદ ચૌહાણે એડવોકેટ રાજવી પટેલની મદદથી ફરી હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા હતા. જસ્ટિસ નિખિલ કરીલે તેમની અરજીને મંજૂરી આપી અને અવલોકન કર્યું કે ONGCએ ભારત સરકાર હેઠળની સંસ્થા હોવા છતાં ન્યાયી વલણ નથી અપનાવ્યું.