Get The App

રૂ.3.66 કરોડનું ગ્રે કાપડ મંગાવી અલથાણના વેપારી સાથે ઠગાઈ કરનાર આઠ દલાલ-વેપારીઓ પૈકી એક વેપારીની ધરપકડ

Updated: Jan 20th, 2022

GS TEAM

Google News
Google News
રૂ.3.66 કરોડનું ગ્રે કાપડ મંગાવી અલથાણના વેપારી સાથે ઠગાઈ કરનાર આઠ દલાલ-વેપારીઓ પૈકી એક વેપારીની ધરપકડ 1 - image

- દલાલ અર્થ ઉર્ફે સાગર પટેલે સાત વેપારીઓ સાથે સંપર્ક કરાવ્યો હતો : એક વેપારીએ પોતાનું નામ પણ ખોટું આપ્યું હતું

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, ગુરુવાર

સુરતના ભાઠેના મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ 4માં ગ્રે કાપડનો વેપાર કરતા અલથાણના વેપારી પાસેથી રૂ.3.66 કરોડનું ગ્રે કાપડ મંગાવી ઠગાઈ કરનાર આઠ દલાલ-વેપારીઓ પૈકી એક વેપારીની ઉધના પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના ભેંસાણના ઉમરાડી ગામના વતની અને સુરતમાં અલથાણ કેનાલ રોડ ગ્રીન વિકટરી એ/1004 માં રહેતા 36 વર્ષીય અરવિંદભાઇ ઉર્ફે અતુલભાઇ ભગવાનભાઇ વઘાસીયા ભાઠેના મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ 4 માં ગ્રે કાપડનો વેપાર કરે છે. અલથાણ ભીમરાડ કોરલ હાઈટ્સ બી/307 માં રહેતા કાપડ દલાલ અર્થ ઉર્ફે સાગર મનુભાઇ પટેલ ( કાપડીયા ) ની સાથે તેમની મુલાકાત ડિસેમ્બર 2019 માં થઈ હતી. અર્થ ઉર્ફે સાગરે પોતાની પાસે સારા વેપારીઓ છે તેમ કહી થોડા દિવસોમાં અરવિંદભાઈની ઓળખાણ જુદાજુદા વેપારીઓ સાથે કરાવતા અરવિંદભાઈએ તેમની સાથે ગ્રે કાપડનો વેપાર શરૂ કર્યો હતો. તમામે શરૂઆતમાં સમયસર પેમેન્ટ કર્યું હતું. જોકે, તે પૈકી 7 વેપારીઓએ ફેબ્રુઆરી 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાન ઉધારમાં ખરીદેલા રૂ.3,65,68,096 ની મત્તાના ગ્રે કાપડનું પેમેન્ટ કર્યું નહોતું.

આ અંગે જયારે અરવિંદભાઈએ તપાસ કરી તો એક વેપારી નિકુંજ પટેલે તેનું ખોટું નામ જણાવ્યું હતું. હકીકતમાં તેનું નામ મયુર હતું. આમ, છેતરપિંડીના ઇરાદે જ સંપર્ક કરી ગ્રે કાપડનો વેપાર શરૂ કરી શરૂઆતમાં સમયસર પેમેન્ટ કર્યા બાદ બાકી પેમેન્ટ રૂ.3.66 કરોડ નહીં ચુકવનાર ટોળકી વિરુદ્ધ અરવિંદભાઈએ ગત 17 ઓક્ટોબર, 2021 ના રોજ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે સાત વેપારીઓ પૈકી સાંવરીયા ફેશનના પ્રોપ્રાઇટર ધર્મેન્દ્રકુમાર કનુભાઇ પટેલ ( ઉ.વ.40, રહે. ફ્લેટ નં.403, પ્રાઇમ પોઇન્ટ, બિલ્ડીંગ નં. એન, ગજાનંદ સંકુલની બાજુમાં, વડોદ, બમરોલી, સુરત. મૂળ રહે. સદખુલા, તા.વિસનગર, જી.મહેસાણા. તથા દુકાન નં.1042, કુબેરજી વર્લ્ડ, સારોલી, સુરત તથા 547 અવધ ટેક્ષટાઇલ માર્કેટ, સહારા દરવાજા, રીંગરોડ, સુરત ) ની ગતરોજ ધરપકડ કરી હતી.