Get The App

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા 1 - image


Jamnagar News: જામનગરના વ્યસ્ત ગણાતા ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરિત કસ્ટમ હાઉસવાળી ઇમારતને તોડી પાડવાની કામગીરી રવિવારે (21મી જૂન) વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે. રવિવારે માર્કેટમાં રજા હોવાથી અને લોકોની અવરજવર ઓછી રહેતી હોવાથી તંત્ર દ્વારા આ દિવસની પસંદગી કરવામાં આવી છે. ભારે મશીનરીની મદદથી એક જ દિવસમાં આ આખું ડિમોલિશન પૂર્ણ કરવાનો આયોજનબદ્ધ પ્લાન ઘડવામાં આવ્યો છે.

સમગ્ર વિસ્તાર કરાયો કોર્ડન 

મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ આજે સવારે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એક હિટાચી અને બે જેસીબી મશીનો દ્વારા ઇમારતને તોડવાની કામગીરી ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહી છે. કામગીરી દરમિયાન કોઈ અકસ્માત કે અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ટ્રાફિકની અવરજવર પર પણ જરૂરી નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

આ ઓપરેશનને સફળ અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા, એસ્ટેટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તેમજ લાઇટ શાખા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સવારથી જ સ્થળ પર તહેનાત છે. સુરક્ષા અને તકેદારીના તમામ કડક પગલાં સાથે આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.

અગાઉની દુર્ઘટના બાદ તંત્ર સજાગ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ આ જ ઇમારતની પાડતોડ દરમિયાન છતનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો, જેમાં ત્રણ શ્રમિકો દબાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા. આ ત્રણેય શ્રમિકો હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ઇજાગ્રસ્ત શ્રમિકોના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને હાલમાં ત્રણેય શ્રમિકોની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

આ જર્જરિત ઇમારત ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી આસપાસના વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓની સુરક્ષા સર્વોપરી રાખીને આ નિર્ણય લેવાયો છે.