Vadodara Ramsagar Lake Fish Death : વડોદરા શહેરના ગોત્રી, દંતેશ્વર, ખોડીયાર નગર, મોટનાથ વાસ સહિતના વિવિધ તળાવોમાં ગંદકીની ફરિયાદો વચ્ચે આજે ગોત્રી સ્થિત રામસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતાં આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે.
ગોત્રી, ખોડીયાર નગર અને દંતેશ્વર તળાવોમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. તળાવોમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જેના કારણે તળાવનું પાણી પ્રદૂષિત બનતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
ગોત્રી રામસાગર તળાવમાં માછલીઓના સામૂહિક મોત બાદ તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળ્યા હતા. તળાવની આસપાસ મંદિરો આવેલા હોવાથી દર્શનાર્થે આવતા ભક્તોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ એટલી તીવ્ર છે કે અહીંથી પસાર થતા લોકોને મોઢા પર રૂમાલ બાંધીને પસાર થવાનો વારો આવ્યો છે.
આસપાસના રહેવાસીઓએ જણાવ્યું હતું કે તળાવોની નિયમિત સફાઈ થતી નથી અને દૂષિત પાણીના પ્રવાહને રોકવા માટે પણ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે માત્ર માછલીઓ જ નહીં પરંતુ કાચબા, મગર સહિતના અન્ય જળચર જીવોના અસ્તિત્વ સામે પણ ખતરો ઊભો થયો છે.
સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તાત્કાલિક તળાવોની સફાઈ, મૃત માછલીઓના નિકાલ અને તળાવોમાં ભળતા દૂષિત પાણીના સ્ત્રોતોને બંધ કરવાની માંગ કરી છે.


