અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad NSUI News: અમદાવાદ શહેરની અનેક ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પર સ્વેટર અને યુનિફોર્મની ખરીદીને લઈ દબાણ કરવામાં આવતું હોવાની વાલીઓ દ્વારા ફરિયાદો ઊભી થઈ છે. આ મુદ્દે આજે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકરોએ અમદાવાદ ડીઈઓ કચેરીએ પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખાનગી સ્કૂલોની જોહુકમી બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદની ખાનગી સ્કૂલો વાલીઓને કોઈ ચોક્કસ દુકાન કે નક્કી કરેલી જગ્યાએથી જ મોંઘા ભાવના સ્વેટર ખરીદવા માટે દબાણ કરી રહી છે. આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા સ્કૂલો સામે કોઈ કડક કાર્યવાહી કરાતી નથી. વાલીઓ આ આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યા હોવા છતાં શિક્ષણ વિભાગ મૌન સેવી રહ્યું છે.

NSUIના વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર મુદ્દે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓની હાલાકી બાબતે હંમેશા તત્પર છે. પુસ્તકો હોય કે સ્વેટર, કોઈપણ બાબતે જો વાલીઓને પરેશાન કરવામાં આવતા હશે તો તેની તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થી સંગઠન દ્વારા મળેલી રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી છે અને વાલીઓની નાની નાની ફરિયાદોને પણ ધ્યાને લઈને યોગ્ય પગલાં ભરાશે.









