Gujarat

ઉધના-મગદલ્લા રોડ પર એનઆરઆઇની ચેઇન લૂંટી બાઇક સવાર લૂંટારૂ ફરાર

By GS Team
4 Feb 20222 mins read
This article was originally published on 4 Feb 2022
ઉધના-મગદલ્લા રોડ પર એનઆરઆઇની ચેઇન લૂંટી બાઇક સવાર લૂંટારૂ ફરાર

- યુનિવર્સિટીના ગેટ પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે ચેઇન આંચકીઃ ચેઇન નહીં તૂટતા ચપ્પુ બતાવી રૂ. 80 હજારની ચેઇન લૂંટી લીધી

સુરત : દોઢ મહિના અગાઉ અમેરિકાથી પરત આવેલા આઇ.ડી કંપનીના કર્મચારી ઉધના-મગદલ્લા રોડ સ્થિત નર્મદ યુનિવર્સિટી પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે સ્નેચરોએ ચેઇન આંચકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચેઇન નહીં તૂટતા ચપ્પુની અણીએ ડરાવીને રૂ. 80 હજારની ચેઇન લૂંટીને ભાગી ગયા હતા.

ઉધના-મગદલ્લા રોડ સ્થિત નર્મદ યુનિવર્સિટી નજીક કેશલ બ્રાઉન એપાર્ટમેન્ટમાં રહેતા અને અમેરિકા ખાતે આઇ.ટી કંપનીમાં નોકરી કરતો બીનોય મનોજ નાંણાવટી (ઉ.વ. 42) ગત સાંજે ઘોડદોડ રોડ પર રહેતા સસરાના ઘરે જમવા ગયો હતો. જયાંથી રાત્રે 8 વાગ્યે પગપાળા ઘરે જવા નીકળ્યો હતો. ઉધના-મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ફૂટપાથ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પલસર બાઇક પર માસ્કધારી બે સ્નેચરો ઘસી આવ્યા હતા. પાછળ બેસેલા સ્નેચરે બીનોયના ગળામાંથી સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચેઇન તૂટી ન હતી જેથી ચાલકે બાઇક ઉભી રાખી હતી અને ચેઇન ખેંચવામાં નિષ્ફળ જનાર સ્નેચર પગપાળા બીનોય પાસે આવી ચપ્પુ બતાવી ચેઇન આપી દે એમ કહ્યું હતું. જો કે બીનોયે ચેઇન નહીં આપતા તેને ચપ્પુ મારવાનો પ્રયાસ કરતા બીનોય ડરી ગયો હતો અને રૂ. 80 હજારની સોનાની ચેઇન સ્નેચરને આપી દીધી હતી. બીનોયે બુમાબુમ કરતા ત્યાંથી પસાર થઇ રહેલા બાઇક ચાલકની મદદથી ઘરે ગયા બાદ ઉમરા પોલીસમાં લૂંટની ફરીયાદ નોંધાવી હતી.