હવે વસ્ત્રો મોંઘાદાટ, રાજકોટમાં વેપારીઓની રોષપૂર્ણ રજૂઆત

તા.1 જાન્યુઆરીથી કપડાં-કાપડ પર 5 ટકાનો જીએસટી 12 ટકા કરતા : શહેરમાં 5000થી વધુ કપડાંના વિક્રેતાઓ, 10 વેપારી સંગઠનોએ કલેક્ટર કચેરીએ ધસી જઈ આવેદનપત્ર આપ્યું
રાજકોટ,: લોકોની કમાણીનો મોટો હિસ્સો સરકારના ટેક્સમાં જ ચાલી જાય તેવી કરનીતિના પગલે હવે વસ્ત્રો,કપડાં ઉપર હાલ 5 ટકાનો જી.એસ.ટી. વધારીને સીધો 12 ટકા કરાતા દેશભરમાં રોષની લાગણી જન્મી છે. આ અન્વયે રાજકોટના વેપારીઓએ આજે કલેક્ટર કચેરીએ ધસી જઈને દેશના પ્રધાનમંત્રી અને નાણાંમંત્રીને જનહિતમાં આ વધારો પાછો ખેંચવાની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું હતું.
રાજકોટમાં 250 જથ્થાબંધ અને 5000થી વધુ છૂટક વેપારીઓ અને કામ કરતા કારીગરો કપડાંના વેચાણ પર રોજી મેળવે છે. આજે રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસો. તથા રાજકોટ રેડીમેઈડ રિટેલ મર્ચન્ટ એસો., કોઠારીયા નાકા એસો., ગુંદાવાડી, નવાનાકા, જંક્શન પ્લોટ, મવડી રોડ, ભક્તિનગર સર્કલ, લાખાજીરાજ રોડ, દિવાનપરા વગેરે વિસ્તારમાં આવેલા કૂલ 10 વેપારી સંગઠનોએ સંયુક્ત આવેદનપત્ર આપ્યું હતું.
વેપારીઓએ જણાવ્યું કે કપડાં કે કાપડ એ મોજશોખની વસ્તુ નથી, શરીર ઢાંકવા જીવનજરૂરી વસ્તુ છે છતાં તા.1 જાન્યુઆરીથી અમલી બને તે રીતે તેના પર અત્યંત અન્યાયી 12 ટકાનો વેરો લાદવા સરકારે નિર્ણય લીધો છે. આનાથી લાખો નાના વેપારીઓએ પોતાનો ધંધો બંધ કરી દેવો પડે તેવી સ્થિતિ છે. આમેય ગત પોણા બે વલર્ષથી કોરોના કાળમાં રેડીમેઈડનો ધંધો ભાંગી ગયો છે. બેરોજગારી વધી છે. આત્મહત્યાના બનાવો પણ બન્યા છે. જે સ્થિતિમાં આ વધારો પાછો ખેંચવા વડાપ્રધાન તાકીદે નિર્ણય લે તેવી માંગણી કરાઈ હતી. વધુમાં જણાવાયું કે 12 ટકા ટેક્સ વધતા એક તો ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધશે અને બીજી તરફ ઈન્સપેક્ટર રાજની ભીતિ વચ્ચે વેપારીઓ ઉપર પણ તણાવ વધશે.




