- અપૂરતી એસટી બસો હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી
- એસટી તંત્રએ આવક વધારવા માટે લોકલ, એક્સપ્રેસ બસોને ગુર્ર્જર નગરીમાં ફેરવી દેતા મુસાફરોને પરેશાની
નડિયાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક તરફ સેવાકીય પ્રવૃત્તિઓના દાવા કરવામાં આવે છે. બીજી તરફ આવક વધારવા માટે નડિયાદથી ખેડા તરફની લોકલ તેમજ એક્સપ્રેસ તરીકે દોડતી એસટી બસોને ગુર્જર નગરીમાં ફેરવી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતા મુસાફરો મુશ્કેેલીમાં મુકાયા છે.
ખેડા શહેર તેમજ આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ નડિયાદ તેમજ આણંદમાં આવેલી શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે એસટી બસોમાં અવરજવર કરે છે. આ વિદ્યાર્થીઓ એસટી બસનો પાસ ધરાવે છે. ખેડા પંથકના મુસાફરી કરતા સેંકડો વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી એસ.ટી.બસની અનિયમિતતાને કારણે ભારે હાલાકી વેઠી રહ્યાં છે. નડિયાદથી બપોરે ૧ઃ૦૦ વાગ્યા પછી ત્રણ વાગ્યા સુધી ખેડા તરફ જવા માટે એક પણ બસની સુવિદ્યા ઉપલબ્ધ નથી. જેથી વિદ્યાર્થીઓને એસ.ટી. બસનો કન્સેસન પાસ હોવા છતાં વધારાનું ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.
એસટી તંત્ર દ્વારા 'સલામત સવારી એસ.ટી તમારી'ના બગણાં ફૂંકવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ આવક વધારવાના આશયથી આણંદ તેમજ નડિયાદથી ખેડા અમદાવાદ તરફ દોડતી કેટલીક લોકલ તેમજ એક્સપ્રેસ બસોને 'ગુર્જરનગરી' પર તરીકે દોડાવવામાં આવી રહી છે. તો ઘણી એસ.ટી.બસોને એક્સપ્રેસ હાઈવે (અમદાવાદ-વડોદરા) પર વાયા આણંદ ડાયવર્ટ કરી દોડાવવામાં આવી રહી છે. જેના કારણે ધંધા રોજગાર અર્થે તેમજ શાળા કોલેજમાં જવા અપડાઉન કરતા મુસાફરોની સુવિધા છીનવાઈ ગઈ છે. આ બાબતે છેલ્લા ત્રણ મહિનાથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં એસ.ટી. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નડિયાદથી ખેડા જવા માટે બપોરે ૧.૦૦થી ૪.૦૦ના સમયગાળા દરમિયાન વધારાની એસટી બસો દોડાવવા વિદ્યાર્થીઓમાં માંગવા ઉઠવા પામી છે. આ ઉપરાંત કેટલીક એસટી બસો ખેડાથી વાયા સામરખા ચોકડી વડોદરાની ડાયરેક્ટ એસટી બસો દોડી રહી છે, આ એસટી બસો પૈકી અમુક એસટી બસોને સામરખા ચોકડીને બદલે ચિખોદરા ચોકડીથી આણંદ બસ સ્ટેન્ડથી સામરખા ચોકડી થઇ દોડાવવા તેમજ આણંદથી ખેડા બપોરના દોઢ વાગ્યાની ડાયરેક્ટ એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવે તો એસટી બસની આવકમાં વધારો થવાની સાથે મુસાફરોને અવરજવર કરવામાં રાહત થાય તેમ છે. ત્યારે એસ.ટી. ડિવિઝનના અધિકારીઓ દ્વારા ખેડા પંથકના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી નિવારવા આણંદ, નડિયાદથી ખેડાની એસટી બસો દોડાવવા લાગણી વ્યાપી છે.


