Gujarat

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

By GS TEAM
23 May 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા 'અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર' શોરૂમમાંથી થોડા દિવસો પહેલા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી હર્ષિદા શેટ્ટી નામની મહિલા કર્મચારી રૂ. 1.66 કરોડના સોનાના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. આરોપી મહિલાની ધરપકડ બાદ હવે સેલ્સગર્લ હર્ષિદાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાના આક્ષેપ બાદ સમગ્ર મામલે કોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે કોર્ટે નિકોલ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નોટિસ ફટકારી કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

Nikol Jewellery Theft Case: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા 'અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર' શોરૂમમાંથી થોડા દિવસો પહેલા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી હર્ષિદા શેટ્ટી નામની મહિલા કર્મચારી રૂ. 1.66 કરોડના સોનાના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. આરોપી મહિલાની ધરપકડ બાદ હવે સેલ્સગર્લ હર્ષિદાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાના આક્ષેપ બાદ સમગ્ર મામલે કોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે કોર્ટે નિકોલ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નોટિસ ફટકારી કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે. 

નિકોલના જ્વેલર્સમાં કરોડોના સોનાના દાગીના ચોરનાર મહિલા સેલ્સગર્લનો પોલીસ પર ગંભીર આક્ષેપ

આરોપી મહિલાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વકીલ મારફતે આરોપી હર્ષિદાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 'પોલીસની ધરપકડની કામગીરી દરમિયાન સર્વોચ્ચ અદાલતની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવ્યું નથી અને મહિલાઓની ધરપકડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેમજ મારું શારીરિક ચેકિંગ કરતી વખતે કોઈપણ મહિલા પોલીસકર્મી હાજર ન હતા અને પુરુષ પોલીસકર્મી દ્વારા ચેકિંગ કરાયું હતું, જે કાયદાકીય રીતે ગુનો બને છે.'

25 મેએ વધુ સુનાવણી

વધુમાં હર્ષિદાએ આક્ષેપ કર્યા હતા કે, પોલીસે સોનું રિકવર કરતી વખતે તેની પાસે રૂ. 1 લાખ રોકડ પડાવી લીધા હતા. પોલીસની કામગીરી મામલે કોર્ટમાં અરજી કરતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી હવે સોમવારે(25 મે) થશે. 

ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી અને તેના ભાગીદાર પુરુષ આરોપી મયુર માળીને પોલીસે ઝડપી પાડ્યા છે. તે પૈકી મહિલા આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જયારે મયુર માળી 25 મે સુધી રિમાન્ડ ઉપર છે. આરોપીઓ પાસેથી 800 ગ્રામ જેટલું સોનું રિકવર કરવાનું બાકી છે. મયુર માળીએ બાકીનું સોનુ ઉદેપુરથી 40 કિલોમીટર દૂર બઠેડા ગામમાં દાટ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તેને લઈને ઉદેપુર તપાસ કરવા જવાની હતી.

જો કે આરોપી મહિલાને પુરુષ મિત્રે જ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલા આરોપી પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેકચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઈમ બ્રાન્ચ તેને આશરે 22 લાખના ઘરેણા સાથે ઝડપી પાડી હતી.

શું છે સમગ્ર ઘટના?

નિકોલમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં આવેલા આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારે(9 મે) બપોરે 2 વાગ્યે તેઓ જમવા માટે ઘરે ગયા હતા. આ દરમિયાન શોરૂમમાં મેનેજર અને અન્ય 19 જેટલા કર્મચારીઓ હાજર હતા. સાંજે 5 વાગ્યે જ્યારે માલિક પરત આવ્યા ત્યારે સ્ટાફે અમુક દાગીના ગાયબ હોવાની જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં ભાંડો ફૂટ્યો

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સેલ્સગર્લ તરીકે કામ કરતી હર્ષિદાબહેન રાજેન્દ્રભાઈ શેટ્ટી કોઈને કહ્યા વગર શોરૂમમાંથી નીકળી ગઈ હતી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદાબહેન પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી. સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.