શહેરમાં બે વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરની ઘટનાને પગલે નદીની જળવહન ક્ષમતા વધારવા માટે હાથ ધરાયેલી કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી છે.
વિશ્વામિત્રી નદીના પુનરોદ્ધાર અને સંરક્ષણ માટે ૧૨ સ્થળોએ ગેબિયન વોલ સહિતના સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન છે, જેના ભાગરૂપે હાલ શહેરના ચેતક બ્રિજ, સમા-સાવલી રોડ, મંગલ પાંડે બ્રિજ સહિત કુલ સાત સ્થળોએ કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક વર્ષઅગાઉ પ્રથમ તબક્કામાં નદીને ઊંડી અને પહોળી
કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે સમયે નદીમાં વસવાટ કરતા વન્યજીવોને
નુકસાન ન પહોંચે તે માટે વિવિધ સંસ્થાઓના ૪૦ રેસ્ક્યુઅરની નિમણૂક કરાઈ હતી.
જોકે હાલ બીજા તબક્કામાં સાત સ્થળોએ એકસાથે કામગીરી ચાલી રહી હોવા છતાં
માત્ર પાંચ રેસ્ક્યુઅરની નિમણૂકથી વિવાદ સર્જાયો છે. આજે વિશ્વામિત્રી નદીમાં એક મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંચેય રેસ્ક્યુઅરે પૂરતી વ્યવસ્થા અને માનવબળના અભાવનો મુદ્દો ઉઠાવી કામગીરી બંધ કરી છે. એક એનજીઓના બેનર હેઠળ વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરી પર તાત્કાલિક રોક લગાવવાની માગ સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ છે.
રજૂઆતમાં જણાવાયા મુજબ, નદીમાં ચાલી રહેલી કામગીરી માટે મ્યુનિ. કોર્પોરેશને વન વિભાગ પાસેથી જરૂરી લેખિત મંજૂરી મેળવવી જોઈએ. સાથે જ કામગીરી દરમિયાન વન વિભાગના અધિકારીઓ, એનજીઓના પ્રતિનિધિઓ અને પ્રશિક્ષિત રેસ્ક્યુઅરની હાજરી ફરજિયાત રાખવી જોઈએ. ઉપરાંત સ્થળ પર તબીબી સુવિધા, રેસ્ક્યુ વેન, છેર વિત વન્યજીવો માટે એન્કલોઝર, રેસ્ક્યુઅરને યોગ્ય વેતન તેમજ રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓને સ્થળાંતર કરતા અગાઉ પૂર્વ મંજૂરી જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવાની પણ માગ કરાઈ છે.
વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા કાર્યકરનું કહેવું છે કે અગાઉની કામગીરી દરમિયાન મગરના ૨૮ ઈંડામાંથી ૧૭ ઈંડા તૂટી ગયા હતા. ઉપરાંત ચાર સાપના મોત થયા છે, જ્યારે ટીટોડીના ૧૮ અને તીતરના ત્રણ ઈંડાનું રેસ્ક્યુ કરાયું હતું.


