Gujarat

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકાનો વધારો

By GS TEAM
1 Apr 20262 mins read
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકાનો વધારો

અમદાવાદ,મંગળવાર,31 માર્ચ,2026

મેક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલની ગુંજ છતાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગે આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ અને ડેકોરેટીવ લાઈટ માટે બી.આઈ.એસ.ના બદલે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય આપતા ખર્ચમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે. કોર્પોરેશનની તિજોરી ઉપર આર્થિક બોજ વધારવા લાઈટ ખાતાના અધિકારીઓ આમ કરતા હોવાની રજુઆત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામા આવી છે.

કોર્પોરેશનના લાઈટ ખાતા દ્વારા નરોડા મુકિતધામથી દહેગામ જંકશન સુધીના આઈકોનીક રોડના ડેવલપમેન્ટના કામમા સ્ટ્રીટલાઈટના પોલ્સ અને ડેકોરેટીવ લાઈટના કામનુ ટેન્ડર ફલોટ કરવામા આવ્યુ છે. આ કામમા અંદાજિત ખર્ચ રુપિયા ૧૩.૭૪ કરોડ નકકી કરવામા આવ્યો છે.જો કે આ કામ રુપિયા ૭.૭૫ કરોડમાં થઈ શકે છે.કોર્પોરેશનને રુપિયા ૬ કરોડની બચત થઈ શકે છે.આ સિવાય ચાંદખેડામા વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના આઈકોનીક રોડના ડેવલપમેન્ટ માટે નવી સ્ટ્રીટલાઈટ અને ડેકોરેટીવ પોલનુ  રુપિયા ૧૨.૮૩ કરોડના અંદાજિત ખર્ચનુ ટેન્ડર ફલોટ કરવામા આવ્યુ છે.આ કામ રુપિયા ૧૦ કરોડમાં થઈ શકે એમ છે અને ૨.૮૩ કરોડની બચત તંત્રને થાય એમ છે.સેટેલાઈટના કેનયુગ સર્કલથી એસ.જી.હાઈવે સુધીના આઈકોનીક રોડના ડેવલપમેન્ટના કામ માટે રુપિયા ૪.૬૪ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.જેમાં પણ વધુ ખર્ચ દર્શાવવામા આવ્યો છે.લાઈટ ખાતા દ્વારા એક જ પ્રકારની કામગીરી માટે જુદા જુદા ત્રણ કામ માટે રુપિયા ૩૧ કરોડના ત્રણ ટેન્ડર ફલોટ કરવામા આવ્યા છે.જેમા અંદાજિત ખર્ચ વધે એવી પ્રક્રીયા કરવામા આવી હોવાની રજુઆત કમિશનર સમક્ષ કરાઈ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અઢીગણા ભાવ લઈ અંદાજ તૈયાર કરાયો

ગુજરાત સરકારે  બનાવેલા એસ.ઓ.આર.માં ક્રોનીકલ પોલ સમાવિષ્ટ હોવા છતાં નોન  એસ.ઓ.આર.ભાવો અંદાજમાં લઈ અઢીગણા  ભાવ લઈ અંદાજિત ખર્ચ તૈયાર કરાયો હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.ભારત સરકારની મેક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપી ભારતીય માનક બ્યુરોએ એલઈડી ફિચર્સના સ્ટાન્ડર્ડ નકકી કર્યા હોવા છતાં યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય આપી એસ્ટીમેટ કોસ્ટ ઉંચી બતાવી ટેન્ડર તૈયાર કરવામા આવે છે.આ અંગે કેટલીક કંપનીઓએ પણ  કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવાનુ ચર્ચાઈ રહયુ છે.