વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના નવા બિલ્ડિંગના પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ થયો હોવાથી હજી પણ આ બિલ્ડિંગનું કામ અધુરુ છે.નવા શૈક્ષણિક વર્ષમાં પણ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય નવા બિલ્ડિંગમાં શરુ નહીં થઈ શકે.
અત્યારની પોલીટેકનિક કોલેજના વર્તમાન કેમ્પસમાં જ નવું બિલ્ડિંગ બની રહ્યું છે.૨૦૨૨ના વર્ષમાં તેનું કામ શરુ કરવામાં આવ્યું હતું.બે વર્ષમાં બાંધકામ પુરુ થવાનો અંદાજ હતો પણ યુનિવર્સિટી હેડ ઓફિસ અને પોલીટેકનિકના સત્તાધીશોની ખેંચતાણના કારણે બિલ્ડિંગ બનવામાં બે વર્ષનો વિલંબ થયો છે.ગ્રાઉન્ડ ફ્લોર એન બીજા પાંચ માળ ધરાવતા બિલ્ડિંગનું બાંધકામ પૂરુ થઈ ગયું છે પણ ફર્નિચર અને ઈલેક્ટ્રિકલ કામગીરી હજી બાકી છે.આ માટેના ટેન્ડર પણ હજી બહાર પડાયા નથી.આમ બિલ્ડિંગ તૈયાર થતા બીજા ૬ થી ૮ મહિનાનો સમય લાગશે.ત્યાં સુધી વિદ્યાર્થીઓને જૂના બિલ્ડિંગમાં જ ભણવું પડશે.
સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં બિલ્ડિંગ પાછળ ૨૫ કરોડનો ખર્ચ થઈ ચૂકયો છે.ફર્નિચર અને વાયરિંગ પાછળ બીજા બે થી ત્રણ કરોડ રુપિયા ખર્ચાશે.નિયત મર્યાદામાં પ્રોજેકટ પૂરો નહીં થવાથી બજેટમાં બે થી ત્રણ કરોડ રુપિયાનો વધારો થયો છે.યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ આ પ્રકારના પ્રોજેકટ સમયસર પૂરા થયા નથી.
એક્સ્ટેન્શન અપાયા પછી પણ
આર્ટસના ગુંબજ અને ઈમારતનું રિસ્ટોરેશન હજી પૂરુ થયું નથી
યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતહાસિક ગુંબજ અને ઈમારતના રિસ્ટોરેશનની કામગીરી પણ એક્સ્ટેન્શન અપાયા પછી પણ હજી પૂરી નથી થઈ.આ કામગીરી પાછળ લગભગ ૬ કરોડ રુપિયાનો ખર્ચ થઈ ચૂકયો છે.પહેલા આ રિસ્ટોરેશન ઓગસ્ટ-૨૦૨૫માં પૂરુ થવાનું હતું પણ સૂત્રોનું કહેવું છે કે, ગુંબજની અંદરના ભાગમાં અને તેની નીચે આવેલા મહર્ષિ અરવિંદ હોલમાં રિસ્ટોરેશનની જરુર હોવાથી જાન્યુઆરી સુધી કામગીરીને લંબાવવામાં આવી હતી.ચોમાસાની સિઝન લાંબી ચાલી હોવાથી પણ થોડા સમય માટે કામ વિલંબમાં પડયું હતું.જોકે હવે જાન્યુઆરીની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે પણ રિસ્ટોરેશન પૂરુ થવામાં હજી એક મહિનાનો સમય લાગશે તેમ કહેવાઈ રહ્યું છે.
પોલીટેકનિકના નવા બિલ્ડિંગની ખાસિયતો
--ગ્રીન બિલ્ડિંગ હોવાથી પૂરતો હવા ઉજાસ
--ફાયર ફાઈટિંગ ઈક્વિપમેન્ટથી સજજ
--રેન વોટર હાર્વેસ્ટિંગ
--ભવિષ્યમાં સોલર પેનલ લગાવાશે
--કોન્ફરન્સ રુમ અને લેબોરેટરીઓ
--વિદ્યાર્થીઓ માટે ઓપન સીટિંગ એરિયા
ફાર્મસી ફેકલ્ટીનું નવુ બિલ્ડિંગ પણ પૂરેપૂરુ કાર્યરત થયું નથી
યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝામાં ૧૫ કરોડ રુપિયાના ખર્ચે ફાર્મસી ફેકલ્ટીનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.આ બિલ્ડિંગને ફેકલ્ટીને દોઢ વર્ષ પહેલા સુપરત કરી દેવામાં આવ્યું હતું.જોકે હજી સુધી ફેકલ્ટી સંપૂર્ણપણે નવા બિલ્ડિંગમાં કાર્યરત થઈ નથી.ફેકલ્ટીના જૂના બિલ્ડિંગમાંથી લેબોરેટરીઓને તબક્કાવાર નવા બિલ્ડિંગમાં ખસેડવામાં આવી રહી છે તો વિદ્યાર્થીઓના કેટલાક લેકચર પણ અહીંયા લેવાય છે.આમ છતા ફેકલ્ટી નવા બિલ્ડિંગમાં સંપૂર્ણ રીતે આગામી શૈક્ષણિક વર્ષથી જ કાર્યરત થશે.


