Gujarat

અડાજણમાં પડોશી માતા-પુત્રીએ રૂ. 1.36 લાખના દાગીના તફડાવ્યા

By GS Team
27 Feb 20222 mins read
This article was originally published on 27 Feb 2022
અડાજણમાં પડોશી માતા-પુત્રીએ રૂ. 1.36 લાખના દાગીના તફડાવ્યા

- પડોશીને ઘરની ચાવી આપતા પહેલા ચેતવા જેવો કિસ્સોઃ સીસીટીવીએ પડોશી મહિલાની પોલ ખોલી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

અડાજણના આનંદ મહલ રોડ સ્થિત જય કોમ્પ્લેક્ષમાં ઇન્સ્યોરન્સ કંપનીના સેલ્સ મેનેજરના ઘરને પડોશી મહિલા અને તેની બે પુત્રીએ નિશાન બનાવી ડુપ્લીકેટ ચાવી વડે રૂ. 1.36 લાખના દાગીના ચોરી કર્યાની ફરીયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે.

અડાજણના આનંદ મહલ રોડ સ્થિત જય કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નં. 505માં રહેતા ઇન્સ્યોરન્સ કંપનીના સેલ્સ મેનેજર મોહિત હરેશ પારેખ (ઉ.વ. 44) બે દિવસ અગાઉ પત્ની નિશા અને પુત્રી પુષ્ટી સાથે ફોઇના ઘરે જમવા ગયા હતા. જયાંથી તેઓ રહેણાંક કોમ્પ્લેક્ષ નજીક આઇસ્ક્રીમ ખાવા ગયા ત્યારે પોતાના ફ્લેટની લાઇટ ચાલુ હતી અને તુરંત જ બંધ થઇ ગઇ હતી. જેથી ચોંકી જનાર મોહિત ઘરે જઇ રહ્યો હતો ત્યારે કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં પડોશમાં રહેતા ફ્લેટ નં. 504 માં રહેતા ધર્મેશ મહેતાની બે પુત્રી ક્રિશા અને કિયાએ મોહિતને અંકલ થોડીવાર ઉભા રહો એમ કહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોહિત તંરુત જ ઘરે પહોંચી ગયો હતો અને બેડરૂમમાં પત્ની નિશાનું પર્સ ખુલ્લું જોઇ શંકા ગઇ હતી. જો કે બીજા દિવસે કબાટના લોકર ચેક કરતા તેમાંથી સોનાનું મંગળસૂત્ર, કડુ, બંગડી અને બુટ્ટી મળી કુલ રૂ. 1.36 લાખના દાગીના ગાયબ હતા. જેથી મોહિતે કોમ્પ્લેક્ષના પ્રમુખ ધર્મેશ શાહની મદદથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફ્લેટ નં. 504 માં રહેતા કિરણ ધર્મેશ મહેતા ડુપ્લીકેટ ચાવી વડે તાળું ખોલી અંદર પ્રવેશતા અને વીસેક મિનીટ બાદ પેન્ટના ખિસ્સા પર હાથ મુકીને પરત જતા નજરે પડયા હતા. જેથી મોહિતે કિરણબેન અને તેમની પુત્રી વિરૂધ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી હતી.