ડિમોલીશનમાં ઉત્સાહ, બાદ વિકાસકામમાં ઉપેક્ષા
ઈસ્ટઝોન બાંધકામ વિભાગ દ્વારા વિકાસકામો શરુ નહીં કરાતા ફરી દબાણો થવા વકી, ભવિષ્યમાં જવાબદારી ટી.પી.શાખાની!
રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાપાલિકા દ્વારા રસ્તા અને આજી નદીના પટમાં આવેલા અનધિકૃત ૧૫૦૦ મકાનોનું ઈતહાસનું સૌથી મોટુ ડિમોલીશન અભૂતપૂર્વ તૈયારી સાથે તા.૨૩ ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું જેને આજે એક મહિનો પૂરો થવા છતાં જે હેતુ દર્શાવીને ગરીબોના વર્ષો નહીં પણ દાયકાઓ જુના, પચાસ-સાઠ વર્ષ જુના મકાનો તોડી પાડયા હતા તે હેતુ જ ઈસ્ટઝોનના બાંધકામ વિભાગની બેદરકારીના કારણે હજુ સિધ્ધ થયો નથી, નથી રસ્તાકામ થયું કે નથી આજી નદીના પટમાં વિકાસ કામ હાથ ધરાયા.
આ અંગે ટી.પી.તથા અન્ય વિભાગોનો સંપર્ક સાધતા જંગલેશ્વરમાં ટી.પી.ના રોડ ઉપરના તમામ બાંધકામો હટાવીને ત્યાંથી બાંધકામ વેસ્ટ,કાટમાળ પણ જે તે સમયે હટાવી લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ ડિમોલીશન વખતે જ કમિશનર સહિત અધિકારીઓએ ત્યાં રસ્તાનું કામ સત્વરે હાથ ધરાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ, આ અંગે તપાસ કરતા ઈસ્ટઝોનના ઈન્ચાર્જ સિટી ઈજનેર શ્રીવાસ્તવ દ્વારા રસ્તાકામ ક્યારે થશે તેની કોઈ વિગતો જારી કરાઈ નથી. જ્યારે આજી નદીના પટમાં કાટમાળ હજુ પડયો છે અને ત્યાં વિકાસનું હજુ આયોજન પણ નથી થયું. મ્યુનિ.કમિશનરે કહ્યું હતું કે રસ્તાકામને મંજુરી આપી દેવાઈ છે.
બીજી તરફ, વિકાસકામોમાં ઉપેક્ષા રખાતા અને ડિમોલીશનમાં જ રસ લેવાતા આ વિસ્તાર હાલ ખંડેર જેવો બની ગયો છે અને કેટલાક બાંધકામો ફરી થવા લાગ્યાની વિગતો પણ બહાર આવી છે.અગાઉ શહેરમાં અનેક સ્થળે ડિમોલીશન કર્યા બાદ ત્યાં ડેવલપમેન્ટ નહીં થતા ફરી દબાણો થયા છે અને જંગલેશ્વરમાં પણ ફરી દબાણો થાય તો અંતે જવાબદારી ટી.પી.વિભાગની આવતી રહે છે ત્યારે આ અંગે સમયમર્યાદા સાથે દબાણ થવા માટે તેમજ જે હેતુ માટે દબાણ હટાવાય ત્યાં કામ માટે જે તે શાખાની જવાબદારી ફીક્સ કરી વહીવટદાર અને કમિશનરે પગલા લેવાની જરૂર છે.


