Gujarat

બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી

By GS TEAM
8 Mar 20261 min read
બળબળતા ઉનાળાનો પ્રારંભ  વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી

વડોદરા, તા.8 વડોદરામાં ગરમીનો પારો સિઝનનો સૌથી વધુ ૩૯.૪ ડિગ્રી આજે નોંધાયો છે. આજે મહત્તમ તાપમાન સાથે જ આકરી ગરમીનો પ્રારંભ થયો છે. બપોરના સમયે તો રોડ પણ પીગળવા લાગ્યા હતાં. 

માર્ચ માસના પ્રારંભ સાથે જ ગરમીનો પારો ઉપર જવા લાગ્યો છે. હોળી બાદ અચાનક તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાયો છે. ધૂળેટીના દિવસે તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયા બાદ ફરીથી આજે તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને આજે તાપમાનનો પારો સિઝનનો સર્વોચ્ચ ઊંચો નોંધાયો છે. આકરી ગરમીના કારણે બપોરના સમયે હવે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરાના તાપમાનમાં આજે ૧.૪ ડિગ્રી વધીને તાપમાન ૩૯.૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય ૦.૨ ડિગ્રી વધીને ૧૮.૨ ડિગ્રી રહ્યું છે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૦ અને સાંજે ૨૧ ટકા હતું. જ્યારે પશ્ચિમ દિશાના પવનોની ગતિ ૩ કિ.મી. પ્રતિ કલાક નોધાઇ છે. આવતીકાલે તેમજ આગામી બે દિવસ પણ તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ રહે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.