Navsari News: ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મંગળવારે(11 નવેમ્બર) સવારે નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં એક શંકાસ્પદ ગુનાહિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું, જેમાં SMC અને કુખ્યાત શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયારોની ડિલિવરી કરવા આવેલા ઈસમોને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર ગેંગે ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વ-બચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્તચર માહિતી મુજબ રાજ્યભરમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની હિલચાલની બાતમી મળી હતી. આ કાર્યવાહી DIG નિર્લિપ્ત રાય અને સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયુર ચાવડાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક લાપતા, સાણથલી ગામેથી ગુમ થતાં ખળભળાટ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, શાર્પશૂટર ગેંગના સભ્યો હથિયારોની આપ-લે કરવા માટે બીલીમોરાના ગણદેવીના એક મંદિરના પાર્કિંગમાં એકઠા થયા છે. જે માહિતીના આધારે SMC ટીમ એક ખાનગી વાહનમાં ત્યાં પહોંચી હતી. જ્યાં પાર્કિંગમાં ચાર લોકો જોવા મળ્યા હતા. ટીમ નજીક આવતા જ શંકાસ્પદોએ પોલીસ વાહન પર કથિત રીતે બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારે સ્વ-બચાવમાં ઇન્સ્પેક્ટર પનારાએ તેમની સર્વિસ-ઇશ્યુ કરેલ ગ્લોક પિસ્તોલમાંથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાંથી એક ગોળી આરોપી હરિયાણાના યશ સિંહ સુંદર સિંહના પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા હતા.
ચાર આરોપીની ધરપકડ
ધરપકડ કરાયેલા લોકોની ઓળખ આ રીતે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચારેય આરોપીઓનો ભૂતકાળનો ગુનાહિત રેકોર્ડ છે, જેમની સામે BNS, NDPS એક્ટ, આર્મ્સ એક્ટ અને હત્યા, ખંડણી અને હુમલો સહિતના ગુનાઓ હેઠળ કેસ નોંધાયેલા છે.
1. યશસિંહ સુંદરસિંહ, હરિયાણાના રહેવાસી
2. ઋષભ અશોક શર્મા, મધ્યપ્રદેશના રહેવાસી
3. મનીષ કાલુરામ કુમાવત, રાજસ્થાનના રહેવાસી (હાલમાં ગણદેવી, નવસારીમાં રહે છે)
4. મદન ગોપીરામ કુમાવત, રાજસ્થાનના રહેવાસી

પોલીસની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને જોતા સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તારણ મુજબ, ઝડપાયેલા આ ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા છે. બાબરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હથિયારો જપ્ત
અધિકારીઓ જણાવ્યું કે, ઝડપાયેલા ઈસમો પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને હાલમાં સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. FIR નોંધાયા બાદ આરોપીઓ અને એન્કાઉન્ટર તરફ દોરી ગયેલા સંજોગો અંગેની વિગતવાર માહિતી શેર કરવામાં આવશે...


