Baroda Cricket Association : બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા માત્ર 15 મિનિટમાં પૂર્ણ થતાં સત્યમેવ જયતે ગ્રુપે ભારે હોબાળો મચાવ્યો હતો. અને તેમનું કહેવું હતું કે, કોઇ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી નથી અને સભ્યોને બોલવાની તક પણ આપવામાં આવી નથી. તેમણે આ પ્રક્રિયાને લોકશાહીની હત્યા ગણાવી એજીએમને ગેરકાયદે જાહેર કરી હતી. બીજી તરફ પ્રમુખ પ્રણવ અમીનએ જણાવ્યું હતું કે, તમામ એજન્ડા બહુમતીથી પારદર્શક રીતે મંજૂર થયા છે.
બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા જ્યોતિ ગાર્ડનમાં યોજાઈ હતી, જે માત્ર 15 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન તમામ 9 એજન્ડા બહુમતીથી પાસ થતાં સત્યમેવ જયતે ગ્રુપે ભારે હોબાળો મચાવ્યો અને આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહીની હત્યા ગણાવી હતી. પ્રમુખ પ્રણવ અમીનએ જણાવ્યું હતું કે, આજની એજીએમમાં હિસાબો પાસ કરવાના અને ઓડિટર નિમણૂક બહુમતીથી મંજૂર થયા. 90 ટકા સભ્યોએ સપોર્ટ કર્યો, માત્ર 15થી 20 લોકો અસંતુષ્ટ હતા, ક્રિકેટના વિકાસ માટે જે ખર્ચ થાય છે તે પારદર્શક છે. સમરજીતસિંહ ગાયકવાડ પણ અમારી સાથે છે અને અમે બીસીએને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છીએ. બીજી તરફ, સત્યમેવ જયતે ગ્રુપના ડો. દર્શન બેંકરએ આ એજીએમને ફિયાસ્કો અને શરમજનક ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, એજીએમમાં કોઇ એજન્ડા પર ચર્ચા થઈ જ નથી, કોઇ મેમ્બરને બોલવા દેવાયા નથી. માત્ર એજન્ડા વાંચીને હાથ ઉંચા કરાવી પાસ કરી દેવાયા છે. તેમણે આ પ્રક્રિયાને રાજશાહી અને એકહથ્થું શાસન ગણાવી હતી.
સભ્ય કલ્પેશ પરમારે આરોપ મૂક્યો કે , કોટંબી સ્ટેડિયમના 342 કરોડના ખર્ચનો હિસાબ માત્ર ચાર લાઇનમાં લખાયો છે. 10 લાખથી વધુના ખર્ચની વિગતો વેબસાઇટ પર મૂકવી જોઇએ, પરંતુ ક્યારેય મુકાઈ નથી. સભ્ય જતીન વકીલે કહ્યું હતું કે, સમયસર ચૂંટણી કે એજીએમ યોજાતી નથી અને સભ્યોને અભિપ્રાય આપવાની તક પણ આપી નથી. આ ઘટનાથી બીસીએનું આંતરિક રાજકારણ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.
ચૂંટણી યોજ્યા વિના હાલની કમિટીએ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ
સભામાં ચૂંટણી સંબંધિત એજન્ડાનો છેદ ઉડાવી દેવાયો હોવાનો આક્ષેપ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રુપના સભ્યોનું કહેવું છે કે, ચૂંટણી યોજ્યા વિના હાલની કમિટીએ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં નિર્ણય આવવામાં બે થી ત્રણ વર્ષ લાગી શકે છે, ત્યાં સુધી હાલની કમિટી સત્તા પર યથાવત રહેશે, એટલે જ ચૂંટણી ટાળી દેવામાં આવી છે. હિસાબ આપવો ન પડે તે માટે કોઈની વાત સાંભળી નથી. એજીએમમાં દરેક એજન્ડા પર ચર્ચા બાદ મતદાન થવું જોઈએ, પરંતુ અહીં તો માત્ર 15 મિનિટમાં બધા એજન્ડા મંજૂર કરી દેવામાં આવ્યા છે. જો માત્ર ઓર્ડર આપવાનો જ હેતુ હતો, તો પછી એજીએમ બોલાવવાનો શું અર્થ? આ એજીએમ બીસીએના ઈતિહાસમાં સૌથી દુઃખદ છે.
સત્યમેવ જયતે ટીમની પ્રેસ કોન્ફરન્સમાં બીસીએનું બેનર હટાવતાં વિવાદ
સભા બાદ સત્યમેવ જયતે ટીમ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવો વિવાદ ઉભો થયો હતો. જ્યારે સ્ટેજ પરથી બીસીએનું બેનર હટાવી લેવામાં આવ્યું હતું. સત્યમેવ જયતે ટીમે જણાવ્યું હતું કે, આ પ્રેસ કોન્ફરન્સ અમારી ટીમની હતી, તેથી બીસીએનું બેનર હટાવવામાં આવ્યું છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના દરેક સભ્યને સત્તાપક્ષ જેટલો જ અધિકાર છે.
બીસીએની એજીએમ ગેરકાયદેસર ગણાવી
સત્યમેવ જયતે ટીમનો આક્ષેપ છે કે, એજીએમ દરમિયાન એકપણ સભ્યને બોલવાની તક આપવામાં આવી નહોતી, અને માત્ર એજન્ડા વાંચીને તરત જ બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યા હતા. લોકસભામાં પણ કલમ 370 જેવા મહત્વના મુદ્દા પર વિપક્ષની વાત સાંભળી હતી, પરંતુ અહીં તો સભ્યોને બોલવા પણ દેવામાં આવ્યાં નથી. આ એજીએમને અમે કોર્ટ કે ચેરિટી કમિશનર સમક્ષ ચેલેન્જ કરીશું. સત્તાપક્ષે 8 કરોડ રૂપિયાના ટીડીએસનો ક્લેમ હજુ સુધી કર્યો નથી, જે સંસ્થાની નાણાકીય જવાબદારી પર સવાલ ઊભો કરે છે. ચૂંટણી અને એજીએમ એકસાથે ન થતા આ એજીએમ બંધારણીય રીતે ગેરકાયદે છે અને શક્ય છે કે બે વર્ષ બાદ આ એજીએમ રદ ઠરે.
બીસીએની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે
પ્રમુખ પ્રણવ અમીનનું કહેવું હતું કે, ચૂંટણી અને એજીએમની તારીખો બંધારણમાં એક સાથે છે, પરંતુ ટર્મ જુદા હોવાથી એજીએમમાં વિલંબ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં કમિટીનો ટર્મ પૂર્ણ થશે અને ત્યાર બાદ ચૂંટણી યોજાશે. અમારી કમિટીએ વડોદરામાં વિશ્વસ્તરીય કોટંબી સ્ટેડિયમ નિર્માણ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો અને તે સફળ પણ થયું છે. અમે બચત કરીને પૈસા જમા રાખવાના નથી, પરંતુ ક્રિકેટના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું એ જ અમારું ધ્યેય છે. ક્રિકેટરોને વધુ સારી સુવિધા મળે તે માટે દરેક રૂપિયો યોગ્ય રીતે વપરાયો છે.
કલમ 8(2) દૂર કરવાની પ્રસ્તાવના વિવાદનું કારણ બની..!
બંધારણની કલમ 8(2) દૂર કરવાની પ્રસ્તાવના રજૂ થતાં વિવાદ ઊભો થયો છે. આ કલમ મુજબ દર ત્રણ વર્ષે એપેક્સ કાઉન્સિલ અને સમિતિઓની ચૂંટણી એજીએમ દરમિયાન યોજાવાની હતી. હવે ચૂંટણીને એજીએમથી સ્વતંત્ર રીતે યોજવા માટે નવી કલમ 32 ઉમેરવાનો પ્રસ્તાવ છે. સત્યમેવ જયતે ટીમનું કહેવું છે કે, આ માટે આપેલ કારણ તર્કસંગત નથી. અગાઉની કાઉન્સિલની મુદત સપ્ટેમ્બર 2022માં પૂરી થઈ હતી, છતાં ચૂંટણી ફેબ્રુઆરી 2023માં યોજાઈ હતી. જે સ્પષ્ટ ભૂલ હતી. હવે નવી કાઉન્સિલ એ જ ભૂલને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, નવી કલમ 32 કયા અધ્યાય હેઠળ આવશે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.


