Naswadi Kukarda Forest Fire: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ કુકરદા ગામના ડુંગરાળ જંગલ વિસ્તારમાં ગત રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જંગલના ત્રણથી ચાર અલગ-અલગ સ્થળોએ લાગેલી આ આગને કારણે વન સંપદાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી છે.
મધરાતે ગ્રામજનો અને વન વિભાગનું સંયુક્ત રેસ્ક્યુ
સ્થાનિક સરપંચ અંબાલાલ ડુંગરા ભીલના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે જંગલમાં આગની જ્વાળાઓ દેખાતા જ કુકરદા ગામના 20થી વધુ યુવાનો અને ગ્રામજનો તાત્કાલિક ડુંગરા તરફ દોડી ગયા હતા. ઘટનાની જાણ નસવાડી વન વિભાગને કરવામાં આવતા કાફલો 'જનરેટર એર ગન' સાથે સ્થળ પર પહોંચ્યો હતો. રાત્રિના ૩ વાગ્યાથી વન વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી કલાકો બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

નશાખોરો સામે કડક કાર્યવાહીની માંગ
નસવાડીના ડુંગરાળ વિસ્તારોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક નશાખોર અને તોફાની તત્વો જાણીજોઈને જંગલમાં આગ લગાવતા હોય છે, જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. વન વિભાગ આવા તત્વોને શોધીને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
વન મંડળીઓને સાધનો આપવાની જરૂરિયાત
નસવાડી તાલુકામાં અનેક ગામોમાં વન મંડળીઓ જંગલ અને વૃક્ષોની રક્ષા કરી રહી છે. પરંતુ આગ જેવી કટોકટી સમયે આ મંડળીઓ પાસે પૂરતા સાધનો હોતા નથી. જો જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થાનિક વન મંડળીઓને પણ જનરેટર એર ગન કે ફાયર ફાઇટિંગના સાધનો પૂરા પાડવામાં આવે, તો આગની ઘટના બને ત્યારે વન વિભાગની રાહ જોયા વગર જ સ્થાનિક સ્તરે ઝડપથી આગ ઓલવી શકાય.



