Get The App

ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’: અસહ્ય ગરમીથી રાહત મેળવવા કરજણ નદીના કિનારે સહેલાણીઓની ભીડ

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’: અસહ્ય ગરમીથી રાહત મેળવવા કરજણ નદીના કિનારે સહેલાણીઓની ભીડ 1 - image


Narmada News: ઉનાળાની શરૂઆત થતાં જ આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો કુદરતના શરણે જઈ રહ્યા છે. પ્રકૃતિની ગોદમાં વસેલા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાંથી પસાર થતી કરજણ નદીના કિનારે આવેલો ‘ધોબીશાલ’ વિસ્તાર હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં નદીનું વહેતું પાણી એક સુંદર કુદરતી ઝરણા જેવો અહેસાસ કરાવે છે, જેની ઠંડક અને આહલાદક નજારો ગરમીથી અકળાયેલા લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.

ગરમીમાં પણ અદભુત ઠંડક

સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અસહ્ય તાપને કારણે પર્યટકોની સંખ્યા ઘટી જતી હોય છે, પરંતુ રાજપીપળાના ધોબીશાલ, ધાણીખૂટ, વિશલખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો ગરમીમાં પણ અદભુત ઠંડક આપતા હોવાથી અહીં સહેલાણીઓનો મેળો જામી રહ્યો છે. કરજણ નદીના ખળખળ વહેતા ઠંડા પાણીમાં સ્નાન કરવાની અને ડૂબકી મારવાની મજા પ્રવાસીઓ માટે યાદગાર બની જાય છે. બપોરના તાપ પછી સાંજના સમયે અહીંથી દેખાતો સૂર્યાસ્તનો નજારો અદભૂત હોય છે, જેને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને પર્યટકો ઉમટી પડે છે.

આ પણ વાંચો: 'લાલો' ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ: કરણ જોશીએ કહ્યું- 'મારો મોબાઈલ હેક થયો હતો', કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ

રોજગારીની નવી તકો ઉભી થઈ

ધોબીશાલના કાંઠે સાંજના પાંચ વાગ્યા પછી જામતી ભીડને કારણે અહીં સ્થાનિક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે. નદી કિનારે સ્થાનિક લોકો દ્વારા મકાઈના ડોડા, પાપડીનું ગરમાગરમ ખીચું અને અન્ય ચટાકેદાર નાસ્તાની લારીઓ શરૂ કરવામાં આવી છે, જેનાથી અનેક પરિવારો આજીવિકા મેળવી રહ્યા છે. પોતાના બાળકો અને પરિવાર સાથે અહીં આવતા સ્થાનિક રહિવાસીઓ પણ આ કુદરતી વાતાવરણથી ખૂબ ખુશ છે અને હવે સરકાર આ સ્થળને એક સુવિધા સભર સત્તાવાર પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવે તેવી લોકઅપેક્ષા પણ સેવાઈ રહી છે.