Get The App

નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે 1 - image


Local Body Elections: નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. કેવડિયા કોલોની ખાતે મળેલી જિલ્લા કોંગ્રેસની મહત્ત્વની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસને મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે મેદાનમાં ઉતરશે.

જિલ્લા કોંગ્રેસની બેઠકમાં વ્યૂહનીતિ તૈયાર

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે જિલ્લા કોંગ્રેસની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તડવી તેમજ નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે સંગઠનને મજબૂત કરવાનો અને કાર્યકરોમાં નવો જોશ ભરવાનો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર

30થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

આ કાર્યક્રમ દરમિયાન અન્ય પક્ષોમાં ગાબડું જોવા મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) છોડીને 30થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પ્રભારી શ્રીનિવાસન અને અન્ય આગેવાનોએ આ કાર્યકરોને પક્ષમાં આવકારી તેમનું સ્વાગત કર્યું હતું.

ગઠબંધન વિના જંગ લડવાની જાહેરાત

મીડિયા સાથેની વાતચીતમાં પ્રભારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ પક્ષ આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમે કોઈ પણ ગઠબંધન કરવાના નથી. ભલે તે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા, કોંગ્રેસ તેના દમ પર અને પોતાના કાર્યકરોના જોરે એકલા હાથે ચૂંટણી લડશે.'

આ જાહેરાતથી નર્મદા જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના આ આત્મવિશ્વાસને કારણે આગામી દિવસોમાં ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.