Get The App

લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી 1 - image

- સાયબર ઠગ ટોળકી સામે ગુનો દાખલ

- ફેસબુકમાં 'મુક્તિ અભિયાન' હેઠળ લોનનો 60 થી 80 ટકા હિસ્સો માફ કરવાની જાહેરાત જોતા સંપર્ક કર્યો હતો

નડિયાદ : નડિયાદ શહેરમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં લોન માફીની લાલચ આપી એક આધેડ સાથે રૂ.૩,૬૪,૯૬૧ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદના જોગેશ્વરી સોસાયટી વિસ્તારમાં રહેતા અને હોસ્પિટલની કેન્ટીનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રાજેશભાઈએ નવેમ્બર ૨૦૨૫માં ફેસબુક પર 'લોન માફી' માટેની એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 'મુક્તિ અભિયાન' હેઠળ કોઈપણ પ્રકારની લોનનો ૬૦થી ૮૦ ટકા હિસ્સો માફ કરી આપવામાં આવશે. રાજેશભાઈએ આ લાલચમાં આવીને જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યોે હતો. જેથી શરૂઆતમાં ઠગ ટોળકીએ અરજી કરવાની ફી, અરજી ટાઈપ કરવાનો ચાર્જ તેમજ અરજી ઈમેલ કરવાનો ચાર્જ જેવા જુદા જુદા ચાર્જ પેટે રકમની માંગણી કરી હતી. જોકે, ત્યારબાદ ગઠિયાઓએ અસલી રૂપ ધારણ કર્યું હતું. તેમણે રાજેશભાઈને ડરાવવાનું શરૂ કર્યું કે, જો તેઓ વધુ નાણાં નહીં ભરે તો તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. પોલીસ કાર્યવાહીના ડરથી ગભરાઈ ગયેલા રાજેશભાઈએ કટકે-કટકે મોટી રકમ ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૧૧ ડિસેમ્બર ૨૦૨૫થી ૨૯-૧-૨૬ દરમિયાન આરોપીઓએ અલગ-અલગ કારણોસર અનેકવાર નાણાં મંગાવ્યા હતા. જેથી રાજેશભાઈ સરવૈયાએ વધુ પૈસા આપવાની ના પાડતા ગઠિયાઓએ તમે લોન અરજી રદ કરવાની અરજી કરી છે, જેથી તમારી સામે પોલીસ ફરિયાદ થઈ છે, તેમજ લોન અરજી રદ કરવાની અરજી માટે ચાર્જ ભરવું પડશે તેમ કહી અવારનવાર રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી કુલ રૂ.૩,૬૪,૯૬૧ની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શાહ નવાજ ચૌધરી, વસીમ અક્રમ, સૌરભ અને સૌરભ, ઈશાન મિલ્ક સપ્લાયર્સ, શૂર, સુનિલ મેડમ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.